વિશાખાપટ્ટનમમાં રવિવારે (6 ઓક્ટોબર) સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચના છેલ્લા દિવસે ભારતીય બોલર્સ છવાઈ ગયા હતા અને ચાના વિરામ પહેલા જ પ્રવાસી ટીમને 191 રનમાં તંબુ ભેગી કરી દઈ 203 રને વિજય મેળવ્યો હતો. દિવસની શરૂઆતે તો સાઉથ આફ્રિકાએ ફક્ત એક વિકેટ ગુમાવી હતી, પણ લંચ બ્રેક સુધીમાં તો ભારતે વધુ સાત વિકેટ ખેરવી નાખતાં એક તબક્કે તો અમ્પાર્યસે મેચ કદાચ વહેલી પુરી થઈ જાય તેવી શક્યતા જોતાં લંચ બ્રેક પહેલાની રમત લંબાવી હતી, પણ પીટ અને મુથુસામી નવમી વિકેટની ભાગીદારીમાં 121 રન ઉમેરી ટીમનો સ્કોર થોડો સન્માનજનક સ્તરે લઈ ગયા હતા. પીટ અડધી સદી કરી હતી, તો મુથુસામી 49 રન કરી અણનમ રહ્યો હતો. પણ આખરે, ચાના વિરામ પહેલા તો મોહમદ શમીએ છેલ્લી બે વિકેટ પણ ઝડપી લઈ ભારતને વિજયની મંઝિલે પહોંચાડી દીધું હતું.
સવારના પહેલા સેશનની રમતમાં જાડેજા અને શમીની ઘાતક બોલિંગ સામે સાઉથ આફ્રિકાની બેટિંગ પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ ગઈ હતી. 27મી ઓવરમાં તો રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી લઈ તરખાટ મચાવ્યો હતો, અને હેટટ્રીકના આરે પહોંચી ગયો હતો, પણ પીટની વિકેટ ઝડપી શક્યો નહોતો.
વિજય માટે ૩૯૫ના ટાર્ગેટ અને એક વિકેટે 11 રનના સ્કોર સાથે સાઉથ આફ્રિકાએ છેલ્લા દિવસની રમતનો આરંભ કર્યો હતો. અને ૬૩.૫ ઓવરમાં ૧૯૧ રનમાં તેની ઈનિંગ પુરી થઈ ગઈ હતી.
રોહિત શર્માને બંને ઈનિંગમાં સદી બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. રોહિતે કારકિર્દીની ૨૮મી ટેસ્ટમાં પહેલી વખત ઓપનિંગમાં બેટીંગ કરી પ્રથમ ઈનિંગમાં ૧૭૬ અને બીજી ઈનિંગમાં ૧૨૭ રન કર્યા હતા.
પ્રથમ ઈનિંગમાં ૪૩૧ રન કરી લડાયક મિજાજ દર્શાવનારી સાઉથ આફ્રિકાની ટીમ બીજી ઈનિંગમાં શમી અને જાડેજા સામે ફસકી પડી હતી. શમીએ જબરજસ્ત સ્વિંગ બોલિંગ કરી ૩૫ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. તેણે પાંચમાંથી ચાર બેટ્સમેનને તો ક્લિન બોલ્ડ કર્યા હતા.
રવિન્દ્ર જાડેજાએ પણ કમાલનો દેખાવ કરતાં ૮૭ રનમાં ચાર બેટ્સમેનને પેવેલિયન ભેગા કર્યા હતા.
આઈસીસી રેન્કિંગમાં નંબર વન ભારતીય ટીમ માટે ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં આફ્રિકા વિરુદ્ધ રનના તફાવત પ્રમાણે પોતાનો ત્રીજો મોટો વિજય છે.
ભારતે પ્રથમ ઈનિંગમાં સાત વિકેટે 502 રન કરી દાવ ડીકલેર કર્યો હતો. સાઉથ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં 431 રન કરતાં ભારતને ફક્ત 71 રનની સાધારણ લીડ મળી હતી. ભારતે બીજી ઈનિંગમાં 4 વિકેટે 323 રન કરી દાવ ડિકલેર કર્યો હતો.
સાઉથ આફ્રિકા માટે ડેન પીટ 107 બોલમાં નવ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 56 રનનો સૌથી વધુ સ્કોર કર્યો હતો, તો મુથુસામીએ અણનમ 49 કર્યા હતા. પ્રવાસી ટીમના ચાર બેટ્સમેન શૂન્ય રને આઉટ થયા હતા.