મહારાષ્ટ્રના નાગપુર ખાતે રવિવારે (10મી) રમાયેલી ત્રીજી અને છેલ્લી ટી-20 મેચમાં ભારતે 30 રનથી વિજય મેળવી બંગલાદેશ સામેની બીજી અને ત્રીજી ટી-20માં વિજય સાથે ત્રણ ટી-20ની સીરીઝ 2-1થી જીતી લીધી હતી. પહેલી ટી-20માં દિલ્હી ખાતે ગયા સપ્તાહે બંગલાદેશનો વિજય થયો હતો. રવિવારની મેચમાં ભારત વતી બેટિંગમાં શ્રેયસ ઐય્યર અને લોકેશ રાહુલ તથા બોલિંગમાં દીપક ચાહર અને રવિ દુબેએ શાનદાર દેખાવ કર્યો હતો. દીપક ચાહરે તો બંગલાદેશની છેલ્લી ત્રણ વિકેટ સાથે હેટટ્રીક લીધી હતી અને એ રીતે ફક્ત 7 રનમાં છ વિકેટ ઝડપી ટી-20માં વર્લ્ડ રેકોર્ડ દેખાવ કર્યો હતો. આ પહેલા તે રેકોર્ડ શ્રીલંકાના અજંતા મેન્ડીસના નામે હતો.
બંગલાદેશે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતે પાંચ વિકેટે 174 રન કર્યા હતા. ઓપનર્સ રોહિત શર્મા અને પછી શિખર ધવન ખાસ કઈં કરી શક્યા નહોતા, પણ એ પછી લોકેશ રાહુલ અને ખાસ તો શ્રેયસ ઐયરે ધમાકેદાર બેટિંગ કરી ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. તે બન્ને ઉપરાંત મનિષ પાંડેએ પણ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
રાહુલ અને ઐય્યરે 114 રનની ભાગીદારી કરી હતી. લોકેશે 35 બોલમાં 7 ચોગ્ગા સાથે 52 રન અને શ્રેયસ ઐયરે 3 ચોગ્ગા, 5 છગ્ગા સાથે 33 બોલમાં 62 રન કર્યા હતા, તો છઠ્ઠા ક્રમે આવેલા મનિષ પાંડેએ 13 બોલમાં 22 રન કર્યા હતા. દીપક ચાહરને મેન ઓફ ધી મેચ અને મેન ઓફ ધી સિરિઝ જાહેર કરાયો હતો.
જવાબરમાં બંગલાદેશ તરફથી એક માત્ર ઓપનર મોહમ્મદ નઈમ ભારતીય બોલરો સામે ટક્કર લઈ શક્યો હતો. તેણે 48 બોલમાં 81 રન કર્યા હતા. તે ઉપરાંત સિવાય મોહમ્મદ મિથુને 27 રનનો ફાળો આપ્યો હતો. આ બન્ને સિવાય બંગલાદેશનો એક પણ ખેલાડી બે આંકડાના સ્કોરે પહોંચી શક્યો નહોતો, તો ચાર ખેલાડીઓ તો શૂન્ય રને આઉટ થયા હતા.
રાજકોટમાં ભારતનો 8 વિકેટે ભવ્ય વિજયઃ
એ પહેલા ગુરૂવારે રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનના સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં ભારતનો 8 વિકેટે વિજય થયો હતો. ભારતીય ટીમના સુકાની અને ઓપનર રોહિત શર્માએ ધમાકેદાર ઈનિંગ રમી 43 બોલમાં 85 રન કર્યા હતા અને ‘મેન ઓફ ધી મેચ’ બન્યો હતો. બંગલાદેશે પહેલા બેટિંગ કરી 6 વિકેટે 153 રન કર્યા હતા, તેના જવાબમાં ભારતે 15.4 ઓવર્સમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી, જ્યારે દીપક ચહર, ખલીલ અહેમદ, વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ લીધી હતી. નઈમ સૌતીએ વધુ 31 બોલમાં 36 રન કર્યા હતા.
154 રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ઘણી સારી રહી હતી. રોહિત શર્મા અને શિખર ધવને પ્રથમ વિકેટની ભાગીદારીમાં 118 રન કર્યા હતા. શિખર ધવન 10.5 ઓવરે 27 બોલમાં 31 રન કરી આઉટ થયો હતો. પોતાની 100મી ટી-20 મેચ રમી રહેલો રોહિત શર્મા જબરજસ્ત ફોર્મમાં હતો. તેણે 43 બોલમાં 85 રન સાથે ટીમના વિજયનો પાયો નાખ્યો હતો. રોહિત ભારતીય ટીમના 125ના સ્કોરે આઉટ થઈ ગયો હતો. ત્યાર પછી લોકેશ રાહુલ અને શ્રેયસ ઐયર ભારતીય ટીમને વિજય સુધી દોરી ગયા હતા.
એ પહેલા બંગલાદેશની ટીમે 6 વિકેટે 153 રન કર્યા હતા. ઓપનર મહોમ્મદ નઇમ (36) અને લિટન દાસે (29) રનની ભાગીદારી કરીને સારી શરૂઆત કરી હતી. બાકી બેટ્સમેન જો કે, તેનો ફાયદો ઉઠાવી શક્યા નહોતા ને જલ્દી આઉટ થઇ ગયા હતા. સૌમ્ય સરકાર અને મહેમદુલ્લા 30-30 રન કરી ટીમને 150 સુધી લઇ ગયા હતા. પરંતુ આ સ્કોર ભારતીય ટીમ સામે ખૂબ જ નાનો સાબિત થયો હતો.