PTI Photo

ઈન્દોરમાં ગયા સપ્તાહે રમાઈ ગયેલી ભારત અને બંગલાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે, શનિવારે જ યજમાન ટીમે બંગલાદેશને એક ઈનિંગ અને 130 રનથી હરાવી કારમો પરાજય આપ્યો હતો. બન્ને ઈનિંગમાં ભારતના ફાસ્ટ બોલર્સનું પ્રભુત્ત્વ રહ્યું હતું. બંગલાદેશની પહેલી ઈનિંગ તો પહેલા જ દિવસે ફક્ત 150 રનમાં પુરી થઈ ગઈ હતી.

ભારતે ચાના વિરામ પછી થોડીવારમાં છેલ્લી ત્રણ વિકેટ ઝડપી લીધી હતી અને એ પછી દિવસના અંત સુધીમાં એક વિકેટે 86 રન પણ કરી નાખ્યા હતા. ભારત વતી મોહમદ શમીએ 27 રનમાં ત્રણ તેમજ ઈશાંત શર્મા, ઉમેશ યાદવ તથા સ્પિનર રવિચન્દ્રન અશ્વિને બે-બે વિકેટ ખેરવી હતી. બંગલાદેશના પાંચ બેટ્સમેન બે આંકડના સ્કોરે પહોંચ્યા હતા, પણ કોઈની અડધી સદી થઈ નહોતી.

સુકાની મોમિનુલ હક 37 અને મુશ્ફિકુર રહિમ 43 રન સાથે મુખ્ય પ્રદાન કરી શક્યા હતા. જવાબમાં ભારતે બીજા દિવસની રમતના અંતે 6 વિકેટે 493 રન કર્યા હતા. ભારત તરફથી મયંક અગ્રવાલે ડબલ સેન્ચુરી ફટકારી હતી, તો ચેતેશ્વર પુજારાએ 54, ઉપ સુકાની અજિંક્ય રહાણેએ 86 તથા રવિન્દ્ર જાડેજાએ અણનમ 60 રન કર્યા હતા.

ત્રીજા દિવસની સવારે ભારતે એ જ સ્કોર સાથે ઈનિંગ્સ ડીકેલર કરી દીધી હતી, અને દિવસના અંત પહેલા તો બંગલાદેશની ટીમ 213 રનમાં ફરી ઓલઆઉટ થઈ જતાં ભારતનો એક ઈનિંગ અને 130 રને વિજય થયો હતો. બીજી ઈનિંગમાં પણ બંગલાદેશના પાંચ બેટ્સમેન બે આંકડાના સ્કોરે પહોંચ્યા હતા, જો કે આ વખતે મુશ્ફિકુર રહિમ અડધી સદી વટાવી શક્યો હતો, તેણે 64 કર્યા હતા.

તેના ઉપરાંત વિકેટકીપર લિટન દાસે 35 અને મેહદી હસન મિરાઝે 38નો ફાળો આપ્યો હતો. બીજી ઈનિંગમાં પણ મોહમ્મદ શમીએ નિર્ણાયક દેખાવ કરતાં ચાર વિકેટ ઝડપી હતી. અશ્વિને ત્રણ અને ઊમેશ યાદવે બે બેટ્સમેનને આઉટ કર્યા હતા. પહેલી ઈનિંગમાં ભારતને ૩૪૩ રનની સરસાઈ મળી હતી.

કોહલીના સુકાનીપદે ભારતીય ટીમનો આ સતત છઠ્ઠી ટેસ્ટ મેચમાં વિજય થયો છે. ભારતે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ સળંગ છઠ્ઠા ટેસ્ટ વિજય અને ૩૦૦ પોઈન્ટ્સ મેળવ્યા છે.શાકિબ અને તમીમ જેવા સ્ટાર્સની ગેરહાજરીની અસર બંગલાદેશની બેટીંગ પર વર્તાઈ હતી.