ભારતે ગયા મહિને સાઉથ આફ્રિકાને ત્રણ ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટમાં એક ઈનિંગ અને 137 રનથી હરાવી 2-0થી શ્રેણી વિજય નિશ્ચિત કરી દીધો છે. ભારતે એ સાથે ઘરઆંગણે સૌથી વધુ, સતત 11મી ટેસ્ટ શ્રેણી જીતવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.
અત્યાર સુધી આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો, ઓસ્ટ્રેલિયાએ 1994થી 2001ના સમયગાળામાં સતત 10 ટેસ્ટ શ્રેણીમાં ઘરઆંગણે વિજય મેળવ્યો હતો. તે પછી ઓસ્ટ્રેલિયાએ 2004થી 2008 દરમ્યાન ફરી ઘરઆંગણે 10 ટેસ્ટ શ્રેણીમાં સળંગ વિજય મેળવ્યો હતો.
હવે ભારતે 2013થી 2019 દરમ્યાન ઘરઆંગણે સતત 11 શ્રેણી જીતી આ નવો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. ભારત છેલ્લે 2012માં ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે 2-1થી ટેસ્ટ શ્રેણી હાર્યું હતું, તે પછી અવિરત શ્રેણીઓ જીતતું રહ્યું છે.
ભારત ઘરઆંગણે 2013થી 2019ની સતત 11 ટેસ્ટ શ્રેણીની વિજયકૂચ દરમ્યાન 11 ટેસ્ટ શ્રેણીમાં 32 ટેસ્ટ રમ્યું છે, જેમાંથી 26 ટેસ્ટમાં વિજય અને પાંચ ટેસ્ટ ડ્રોમાં પરિણમી છે, ઓસ્ટ્રેલિયા સામે ભારતનો એક જ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 2017માં પરાજય થયો હતો.