એકાઉન્ટન્સી અને ફાયનાન્સના વ્યવસાયમાં મોખરાનું સ્થાન ધરાવતી ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઇન ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ (ICAEW) અને ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના વ્યવસાયનું નિયંત્રણ કરતી વૈધાનિક સંસ્થા- ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા લંડનમાં સમજૂતી કરવામાં આવી છે, જે મુજબ આ બંને સંસ્થાઓના સભ્યો પરસ્પર સંસ્થાઓના સભ્ય બની શકશે અને તેમની પરસ્પરની લાયકાત માન્ય ગણાશે. આ સમજૂતી દર્શાવે છે કે, બંને સંસ્થાઓ સાથે કામ કરવા કટિબદ્ધ છે અને તેમના કૌશલ્ય દ્વારા વિશ્વમાં મજબૂત અર્થતંત્રના નિર્માણ માટે સાથે કાર્ય કરશે.
2 ઓક્ટોબરના રોજ લંડનમાં ICAEWની મુખ્ય ઓફિસમાં યોજાયેલા સમારંભમાં આ સમજૂતી ઉપર ICAEWનાં પ્રેસિડેન્ટ ફિઓના વિલ્કિન્સન અને ICAIના પ્રફુલ્લ છાજેડે હસ્તાક્ષર કર્યા હતા. આ બંને સંસ્થાઓએ તેઓની સમાન રૂચિ ધરાવતી આધુનિકતાની બાબતે સંશોધન અને વિકાસ તરફ આગળ વધવાનું આયોજન કર્યું છે. બંને સંસ્થાઓ આઇટી, રોબોટિક પ્રોસેસિંગ અને ઓટોમેશનનો ઉપયોગ કરતી ભારત અને યુકેની કંપનીઓના કેસ સ્ટડિઝનો રીપોર્ટ તૈયાર કરશે. પ્રફુલ્લ છાજેડે જણાવ્યું હતું કે, આ સમજૂતીથી બંને દેશોના સભ્યો વચ્ચે આદાન-પ્રદાન વધુ મજબૂત બનશે. આગામી દાયકો એકાઉન્ટિંગ પ્રોફેશનલ્સનો બની રહે તેવો અમારો ધ્યેય છે. આ ઉપરાંત અમે સાથે કામ કરીને સંશોધન અને એકાઉન્ટિંગ ક્ષેત્રમાં વધુ સહકાર સાધવા માટે વિચારી રહ્યા છીએ. ICAEWનાં પ્રેસિડેન્ટ ફિઓના વિલ્કિન્સને જણાવ્યું હતું કે, અમે આ સમજૂતીથી ખુશી અનુભવી રહ્યા છીએ. બંને સંસ્થાના પરસ્પર સહકારથી અમારા સંબંધો મજબૂત થશે . આજના આધુનિક વૈશ્વિક સમયમાં દેશ-વિદેશની પ્રોફેશનલ સંસ્થાઓએ સાથે કામ કરવાની જરૂર છે. અમને વિશ્વાસ છે કે અમે એકબીજા પાસેથી ઘણું શીખીશું અને જુદા ન્યાયક્ષેત્રોમાં અમારા સભ્યોને તેની મદદ મળશે.