દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીય મૂળના જાણિતા વાઈરોલોજિસ્ટ ગીતા રામજીનું કોરોના વાઈરસથી સંક્રમણ થવાથી મોત થયું છે. ગીતા કેટલાક દિવસ પહેલા લંડનથી પરત આવી હતી. દક્ષિણ આફ્રિકા મેડિકલ રિસર્ચ કાઉન્સિલ (SAMRC)ના અધ્યક્ષ ગીતા કોરોનાથી સંક્રમિત હતા તેવો દાવો કરવામાં આવે છે. જોકે, હજુ તેમનો મેડિકલ રિપોર્ટ આવ્યો નથી. દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસને લીધે 5 વ્યક્તિના મોત થયા છે.

આફ્રિકાના ક્વાજુલુ નતાલમાં રહેતી 64 વર્ષિય ગીતા દક્ષિણ આફ્રિકન મેડિકલ રિસર્ચ કાઉન્સિલમાં એચઆઈવી પ્રિવેન્શન રિસર્ચ યુનિટની ડાયરેક્ટર હતી. વેક્સિન સાયન્ટીસ્ટ ગીતાને 2018માં યુરોપિયન ડેવલપમેન્ટ ક્લિનિકલ ટ્રાયલ્સ પાર્ટનરશિપ્સ તરફથી આઉટસ્ટેન્ડિંગ ફિમેલ સાયન્ટીસ્ટનો એવોર્ડ મળ્યો હતો.

રિસર્ચ કાઉન્સિલની પ્રેસિડેન્ટ અને સીઈઓ ગ્લેન્ડા ગ્રેએ કહ્યું છે કે પ્રોફેસર ગીતા રામજીનું મોત મહામારીને લીધે થયું છે. તેમના અવસાનના સમાચાર સાંભળીને ખૂબ જ દુખ થયું છે. આફ્રિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1350 થઈ છે.સંક્રમણને અટકાવવા માટે સરકારે ઘરે-ઘરે જઈ લોકોની તપાસ કરી રહી છે અને આ માટેની ટીમની સંખ્યા વધારીને 10 હજાર કરી દીધી છે.