/PTI Photo)(PTI09-07-2020_000058B)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ સતત ઉંચો જઇ રહ્યો છે. તાજેતરમાં થયેલા એક સર્વેમાં તેઓ સૌથી લોકપ્રિય નેતા તરીકે ઊભરી આવ્યા છે. જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળ્યો છે. મૂડ ઓફ ધ નેશન (MOTN)ના સર્વે મુજબ નરેન્દ્ર મોદીએ લોકપ્રિય નેતા તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. લોકો હજુ પણ તેમને દેશના ભવિષ્યના વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છે છે.

તાજેતરમાં કરવામાં આવેલા મૂડ ઓફ ધ નેશન સર્વેમાં 66 ટકા લોકોએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાનપદે યથાવત રહેવા જોઈએ. તેમના પછી રાહુલ ગાંધીનું નામ આવે છે, જોકે, તેઓ 10ના આંકડાને સ્પર્શી નથી શક્યા. તેમને માત્ર આઠ ટકા લોકો પસંદ કરે છે. જાન્યુઆરી 2019માં વડાપ્રધાન પદના દાવેદાર માટે થયેલા સર્વેમાં રાહુલ ગાંધીને સૌથી વધારે બાવન ટકા મત મળ્યા હતા.

કોંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીને વડાપ્રધાન પદ માટે ત્રીજા સૌથી લોકપ્રિય નેતા તરીકે ઊભરી આવ્યા છે, તેમને માત્ર પાંચ ટકા મત મળ્યા છે. ગૃહ પ્રધાન અમિત શાહ આ યાદીમાં ચોથા સ્થાને છે અને તેમને માત્ર ચાર ટકા મત મળ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને અરવિંદ કેજરીવાલને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે અને તેમને બંનેને ત્રણ-ત્રણ ટકા મત મળ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ 2-2 ટકા લોકોએ સમર્થન આપ્યું છે.

ભારત સરકારમાં પ્રધાનો નીતિન ગડકરી અને રાજનાથ સિંહ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, બહુજન સમાજ પાર્ટી (બસપા)નાં પ્રમુખ માયાવતી અને સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અખિલેશ યાદવને પણ લોકો નવા વડાપ્રધાન તરીકે પસંદ કરે છે.