આયર્લેન્ડના પાટનગર ડબ્લિનમાં એક ઈન્ડિયન રેસ્ટોરેન્ટને ડબ્લ્યુઆરસી અધિકારીઓએ એવો આદેશ આપ્યો હતો કે તેઓ એક ગ્રાહકને ભોજન સર્વ કરવાનો ઈનકાર કરવા બદલ 3,000 યુરોનું વળતર ચૂકવે. મયંક ભટનાગર નામના આ ગ્રાહકે વર્કપ્લેસ રીલેશન્સ કમિશન (ડબ્લ્યુઆરસી) સમક્ષ કરેલા કેસમાં કમિશને તેમની તરફેણમાં ચુકાદો આવ્યો હતો.

ભટનાગરે કમિશન સમક્ષ કરેલી રજૂઆત મુજબ ગયા વર્ષે જુલાઈમાં પોતે બપોરે લંચ લેવાના ઈરાદે બે સાથી કર્મચારીઓ સાથે રવિઝ કિચન નામની આ રેસ્ટોરેન્ટમાં ગયા હતા. તેના દાવા મુજબ ગ્રાહકોને મેનુ આપી રહેલા રેસ્ટોરેન્ટના માલિકને પોતે પૂછયું કે લંચ સર્વ કરવામાં કેટલો સમય લાગશે, કારણ કે તેમની પાસે મર્યાદિત સમય હતો.

આઈરિશ ટાઈમ્સ અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ રેસ્ટોરેન્ટના માલિક રવિ શુકલાએ ગ્રાહકને વળતો સવાલ કર્યો હતો કે શું તે ઈન્ડિયન છે, ત્યારે ગ્રાહકે હા પાડી હતી. એ પછી, ભટનાગરના દાવા મુજબ માલિકે એવું કહ્યું હતું કે પોતે ભારતીયોને ભોજન સર્વ કરતો નથી અને તેઓએ ચાલ્યા જવું જોઈએ. અને ગ્રાહકોનું એ ગ્રુપ રેસ્ટોરેન્ટ છોડી ગયું ત્યાં સુધીમાં તો શુકલાએ બૂમાબૂમ કરી પોતે અને પોતાના પરિવારે કેટલી યાતનાઓ વેઠવી પડી હતી તે જણાવ્યું હતું.

ગ્રાહકે રજૂ કરેલા પુરાવાની કોઈ ખરાઈ થઈ નહોતી, કારણ કે આઈરિશ ટાઈમ્સના અહેવાલમાં રવિ શુકલાને એવું કહેતા ટાંકવામાં આવ્યા છે પોતે મૂળ ઉત્તર ભારતના વતની છે અને તેમને આ કેસમાં કમિશન સમક્ષ હાજર થવાનું કોઈ નોટિફિકેશન જ બજાવાયું નહોતું.

સુનાવણી દરમિયાન ડબ્લ્યુઆરસી જજ મિસ મેરી ફલીને કહ્યું હતું કે, રેસ્પોન્ડેન્ટને સુનાવણીના સ્થળ, સમય અને તારીખ વિષે યોગ્ય નોટીસ આપવામાં હોવા વિષે પોતે સંતુષ્ટ છે. એ પછી, મિસ મેરી ફલીને એવો ચુકાદો આપ્યો હતો કે, ગ્રાહક સામે વંશના આધારે ભેદભાવ દાખવવામાં આવ્યો હતો, જે ઈક્વલ સ્ટેટસ એક્ટ્સના ભંગ સમાન હતું. જો કે, ગ્રાહક મયંક ભટનાગરના પુરાવાઓની ખરાઈને પડકારવામાં આવી નહોતી.

જજે એવું કહ્યું હતું કે, ગ્રાહકે એવું પુરવાર કરી દીધું છે કે, તેમની સાથે અન્ય, ભારતીય ના હોય તેવા ગ્રાહક આવી જ સ્થિતિમાં હોય તો થાય તેની તુલનાએ ઓછો ફેવરેબલ વ્યવહાર કરાયો હતો, તે વિષે પોતે સંતુષ્ટ છે. આથી મને લાગે છે કે, ફરિયાદીએ પોતે પ્રથમ દ્રષ્ટિએ એવું સાબિત કરી દીધું છે કે, તેની સામે વંશિય ધોરણે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરાયો છે.

જજે વધુમાં ઉમેર્યું હતું કે, એકવાર ફરિયાદીએ પ્રથમ દ્રષ્ટિએ પોતાનો કેસ પુરવાર કરી દીધા પછી, પુરાવાની જવાબદારી સામેના પક્ષની રહે છે. અને સામેના પક્ષે રવિ શુકલા સુનાવણીમાં હાજર રહ્યા નહોતા, તેના પરિણામે રજૂ કરાયેલા પુરાવાની ખરાઈ થઈ નહોતી, તે પડકારવામાં આવ્યા નહોતા. રેસ્ટોરેન્ટના માલિકે કહ્યું હતું કે, તે આ ચુકાદાની સામે અપિલ કરવા ધારે છે, કારણ કે તે પોતે પણ ઈન્ડિયન છે.

મેં ગ્રાહકને લંચ સર્વ કરવાનો ઈનકાર એટલા માટે કર્યો હતો કે, લંચ સર્વ કરવામાં કેટલો સમય લાગશે તે જણાવ્યું ત્યારે એટલા સમયના મુદ્દે તે સંતુષ્ટ નહોતો અને તેણે બુફેની માંગણી કરી હતી, પણ અમારે ત્યાં બુફેની વ્યવસ્થા નથી. આ ચુકાદો એકપક્ષી છે. મારા સંખ્યાબંધ ઈન્ડિયન ગ્રાહકો છે અને મેં ક્યારેય તેમને એટલા માટે સર્વ કરવાનો ઈનકાર નથી કર્યો કે તેઓ ઈન્ડિયન છે.