આઈસીઆઈસીઆઈ બેંક યુકે પીએલસી બેંકની મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ભારતીય પાસપોર્ટ ધરાવતી કોઇપણ વ્યક્તિ યુકેમાં વસવાટ માટે આવતા પહેલા ભારતમાં હોય તે જ સમયે પોતાનું ડિજિટલ એકાઉન્ટ ખોલાવી શકશે. આઈસીઆઈસીઆઈ યુકેમાં આ પ્રકારની સેવા આપનારી તે પ્રથમ ભારતીય બેંક છે.
આઈસીઆઈસીઆઈ બેંક યુકે પીએલસીના એમડી અને સીઇઓ લોકનાથ મિશ્રાએ જણાવ્યું હતું કે ‘’ખાતુ ખોલાવવા માંગતી વ્યક્તિએ ‘આઈસીઆઈસીઆઈ બેંક યુકે આઈમોબાઈલ’ નામની બેંકની યુકે મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી ઇલેક્ટ્રોનિકલી તમામ કેવાયસી વિગતો આપવાની રહેશે. ખાતું તુરંત જ સક્રિય થઈ જતા ગ્રાહકો ટ્રાંઝેક્શન શરૂ કરી શકશે. જે તે ગ્રાહકોને યુકેમાં અથવા ભારતમાં થોડા દિવસની અંદર જ તેમના સરનામે કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડ મળશે અને તેઓ ભારતના કોઈપણ આઈસીઆઈસીઆઈ બેંક ખાતામાં તાત્કાલિક પૈસા મોકલી શકશે.‘’
લોકનાથ મિશ્રાએ જણાવ્યું હતું કે ‘’આઈસીઆઈસીઆઈ બેંક યુકેમાં ગ્રાહકોની બેંકિંગની જરૂરિયાતોને પહોંચી વળવા તેમજ ભારતમાં મુશ્કેલી વિના રેમિટન્સ સેવા આપવા માટે પ્રતિબદ્ધ છે. મોબાઇલ એપ્લિકેશન ‘આઈસીઆઈસીઆઈ બેંક યુકે આઈમોબાઈલ’ એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને સ્માર્ટફોન પર ડાઉનલોડ કરી શકાય છે.’’
આઈસીઆઈસીઆઈ બેંક યુકે પીએલસી, યુકેમાં ગ્રાહકોને એનઆરઇ એકાઉન્ટ્સ, સ્થાનિક લોન સહિતની સહાય કરે છે. વધુ માહિતી માટે સંપર્ક: www.icicibank.co.uk