ફાઈલ ફોટો

ભારતની મહિલા ચેસ ખેલાડી કોનેરૂ હમ્પીએ રશિયાના પાટનગર મોસ્કોમાં ગયા સપ્તાહે વિમેન્સ વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપનું ટાઈટલ હાંસલ કરી એક વિશિષ્ટ રેકોર્ડ સર્જ્યો છે. ૩૨ વર્ષની ગ્રાન્ડ માસ્ટર હમ્પીએ નિર્ણાયક ટાઈબ્રેકરમાં ભૂતપૂર્વ સિલ્વર મેડાલિસ્ટ, ચીની હરીફ લેઈ ટિન્ગજિઈને પણ વિજેતા થવા દીધી નહીં. મુકાબહો ટાઈ થયા પછી આખરી અને નિર્ણાયક આર્માગેડન ગેમમાં હરાવી હતી. અગાઉ કોનેરૂ હમ્પીએ ૨૦૧૨માં વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

આ ચેમ્પિયનશિપમાં ૧૩મો ક્રમ ધરાવતી હમ્પીએ શાનદાર દેખાવ ૧૨ રાઉન્ડના અંતે નવ પોઈન્ટ્સ મેળવ્યા હતા. ચીનની લેઈ ટિન્ગજિઈએના પણ ૯ પોઈન્ટ હતા. આ કારણે વિજેતાનો નિર્ણય લેવા માટે બંને વચ્ચે ટાઈબ્રેકર મુકાબલા ખેલાયા હતા. બે ગેમની બ્લિટ્ઝ મેચના અંતે બંને ખેલાડીઓ ૧-૧થી બરોબરી પર રહેતા આર્માગેડન મુકાબલો ખેલાયો હતો, જેમાં હમ્પી વિજેતા રહી હતી.

ક્રિકેટની સુપર ઓવર જેમ જ આર્માગેડન ગેમ રેપિડ ચેસમાં બરોબરીના ખેલાડીઓ વચ્ચે વિજેતા નક્કી કરવા રમાય છે. હમ્પીએ માતા બન્યા બાદ બે વર્ષ ચેસમાંથી બ્રેક લીધો હતો અને 2019ના વર્ષે જ પુનરાગમન કર્યું હતું અને તેણે આ સફળતા હાંસલ કરી હતી.

ચેમ્પિયન બન્યા બાદ ખુશખુશાલ હમ્પીએ કહ્યું કે, આ મારી કારકિર્દીનું સૌપ્રથમ વર્લ્ડ ટાઈટલ છે એટલે સ્વાભાવિકપણે જ હું ખુબ જ ખુશ છું. છેલ્લા કેટલાક વર્ષોથી લોકોને આશા હતી કે, હું ક્લાસિકલ વર્લ્ડ વિમેન્સ ચેમ્પિયનશિપ ટાઈટલ મેળવું. હું રેપિડ ચેસની એટલી સારી ખેલાડી નથી, છતાં અહીં મળેલો વિજય મારા માટે અનપેક્ષિત આશ્ચર્યકારક રહ્યો હતો. ટુર્નામેન્ટ શરૃ થઈ ત્યારે મેં કલ્પના પણ કરી નહોતી કે, હું ટાઈટલ મેળવિશ.

રશિયામાં યોજાયેલી કિંગ સલમાન વર્લ્ડ રેપિડ અને બ્લિટ્ઝ ચેમ્પિયનશિપમાં હમ્પીએ આ રેકોર્ડ સર્જ્યો હતો.