ઈન્ફોસિસના CEO સલીલ પારેખ સામે વધુ એક વ્હિસલબ્લોઅરની ફરિયાદ થઈ છે. ફરિયાદ કરનારે જણાવ્યું હતું કે પારેખ ઈન્ફોસિસ સાથે જોડાયા તેના એક વર્ષ અને આઠ મહિના થઈ ગયા છે,પરંતુ તેઓ મુંબઈથી જ કામ કરી રહ્યા છે. આ રીતે CEOએ બેંગ્લુરુમાં રહેવાની શરતનું પણ ઉલ્લંઘન કર્યું છે. ન્યુઝ એજન્સીએ ગયા સપ્તાહે આ અંગે માહિતી આપી હતી. તેમના મતે વ્હિસલબ્લોઅરે ઇન્ફોસસિના ચેરમેન નંદન નિલેકર્ણી અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના નામ લખ્યા વગરના તારીખવાળા પત્રમાં પ્રશ્ન કર્યો છે કે એવું કયું કારણ છે કે પારેખ પર બેગ્લુરું આવવા માટે દબાણ કરવાથી બોર્ડને અટકાવવામાં આવે છે.
વ્હિસલબ્લોઅરે પોતાને ઈન્ફોસિસના ફાયનાન્સ વિભાગના કર્મચારી ગણાવ્યા છે. તેમણે લખ્યું છે કે હું મારું નામ જણાવી શકું તેમ નથી, કારણ કે આમ કરવાથી મારી સામે કાર્યવાહી થવાનો ડર છે. એક કર્મચારી અને શેરધારક હોવાના નાતે મારી જવાબદારી છે કે પારેખ સાથે સંકળાયેલ હકીકત એ છે કે તેઓ કંપનીના મૂલ્યોને નુકસાન કરી રહ્યા છે. તેમની જાણકારી ચેરમેન અને બોર્ડને આપવામાં આવે. આશા રાખુ છું કે તમે ઇન્ફોસિસની ખરી વિચારધારાને ધ્યાનમાં રાખી પોતાની જવાબદારી નિભાવે.
વ્હિસલબ્લોઅરે કહ્યું છે કે કંપનીને પારેખ માટે પ્રત્યેક મહિને 4 બિઝનેસ ક્લાસની એર ટીકિટ, મુંબઈમાં ઘરેથી એરપોર્ટ સુધી ડ્રોપિંગ, બેંગ્લુરુમાં એરપોર્ટથી પિકઅપ તથા ડ્રોપની સુવિધા આપવી પડે છે. તેઓ મહિનામાં 2 વખત બેંગ્લુરુ આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અંગે ઇન્ફોસિસે કોઈ જ પ્રતિક્રિયા આપી નથી.
પારેખ સામે છેલ્લા બે મહિનામાં આ બીજી ફરિયાદ સામે આવી છે. આ અગાઉ 20 સપ્ટેમ્બરના રોગ કેટલાક કર્મચારીઓએ પારેખ અને CFO નિલંજન રોય પર નફો વધારવા અનૈતિક પદ્ધતિ અપનાવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ગયા મહિને ઇન્ફોસિસે આ ફરિયાદની પૃષ્ટી કરતા જણાવ્યું હતું કે આ કેસમાં કંપની તપાસ કરી રહી છે.
જોકે ગત સપ્તાહ કહેવામાં આવ્યું હતું કે વ્હિસલબ્લોઅરના આરોપના સમર્થનમાં હજુ સુધી કોઈ જ સબુત મળ્યા નથી. તપાસ પૂરી થઈ જાય એટલે મુખ્ય મુદ્દા અંગે જાણકારી આપવામાં આવશે.
ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે વ્હિસલબ્લોઅરે પારેખ પર શેરબજાર સાથે જોડાયેલા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ફરિયાદકર્તાનું કહેવું છે કે પારેખ અનેક કંપનીઓમાં રોકાણ કરે છે. પોતાના રોકાણની દેખરેખ માટે તેઓ મુંબઈમાં રોકાયેલા છે. તેમણે ટર્મિનેટ કરવા જોઈએ.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ખાતે ઇન્ફોસિસના શેરની કિંમત સોમવારે 0.56 ટકા ગગડી 704.50 રહી હતી. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ખાતે શેરનો ભાવ 0.71 ટકા ઘટી રૂપિયા 703.10 રહ્યો હતો.