દેશની મોટી આઈટી કંપની ઇન્ફોસિસના મેનેજમેન્ટ સમક્ષ લાગેલા ગંભીર આરોપ બાદ મંગળવારે સવારે 11 વાગ્યા સુધી કંપનીનો શેર 15 ટકા તૂટી ગયો હતો. જેનાથી થોડી જ મિનિટોમાં રોકાણકારોએ 45 હજાર કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે રોકાણકારોએ ડરવાની જરૂરી નથી. જો કોઈ પાસે પહેલાથી ખરીદેલા શેર હોય તો તેને વેચવા ન જોઈએ. સાથે જ નવા રોકાણકારોએ ચેતીને રહેવાની સલાહ આપવામાં આવી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇન્ફોસિસે પોતાના નફો અને આવક વધારવા માટે અનૈતિક પગલાં લીધા હતા. આ આખા મામલાને લઈને એક જૂથે ઇન્ફોસિસના બોર્ડને પત્ર લખીને જાણકારી આપી હતી.

આ મામલે ઇન્ફોસિસ તરફથી નિવેદન આપવામાં આવ્યુ છે કે, સપ્ટેમ્બરમાં વ્હિસલબ્લોઅર તરફથી બે ફરિયાદ મળી છે. શાર્દુલ અમરચંદ મંગળદાસ મામલામાં વ્હિસલબ્લોઅરના આરોપોની સ્વતંત્ર તપાસ કરવામાં આવશે. ઇન્ફોસિસને લઈને વ્હિસલબ્લોઅર્સે કંપનીના બોર્ડને આ મામલે એક પત્ર 20 સપ્ટેમ્બરના રોજ લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ પોતાનો વેપાર અને નફો વધારવા માટે અનૈતિક પગલાં લીધા છે. કંપનીના વર્તમાન સીઈઓ સલિલ પારેખ પણ આમાં સામેલ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સલિલ પારેખ મોટી ડીલમાં માર્જિનને વધારીને બતાવવા માટે દબાણ કરે છે, આ ઉપરાંત વેપાર અને નફાના ખોટા અનુમાન બતાવવાનું કહે છે.

આવો જ એક પત્ર 27મી સપ્ટેમ્બરના રોજ અમેરિકન શેરબજારની નિયમન કરતા યૂએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડને મોકલવામાં આવ્યો છે. હકીકતમાં ઇન્ફોસિસના એડીઆર ન્યૂયોર્ક એક્સચેન્જ પર લિસ્ટ છે. સોમવારે ADR 12 ટકાથી વધારે તૂટી ગયો હતો. આ માટે જ મંગળવારે ઇન્ફોસિસનો શેર 15 ટકા તૂટી ગયો છે. ઇન્ફોસિસના શેરમાં ઇન્ટ્રાડેમાં આ છ વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. આ ઘટાડા બાદ કંપનીની માર્કેટ કેપ 3.28 લાખ કરોડથી ઘટીને 2.83 લાખ કરોડ થઈ ગઈ છે.એસ્કૉર્ટ સિક્યોરિટીના રિસર્ચ હેડ આસિફ ઇકબાલનું કહેવું છે કે આ સમાચારની અસર વધારે લાંબા સમય સુધી નહીં રહે. કારણ કે કોઈ ફ્રૉડ નથી થયો. જો કોઈ રોકાણકાર પાસે શેર છે તો તેણે વેચવા ન જોઈએ. નવા રોકાણકારોએ હાલ પૂરતું આ શેરથી દૂર રહેવું જોઈએ.