કસ્ટમ્સ વિભાગની અમદાવાદ ઓફિસે વિગતો આપતા આશંકા દર્શાવી હતી કે થોડા દિવસો પૂર્વે પકડાયેલા ૩ કિલો સોનાના મામલે સ્પાઈસ જેટના કોઈ કર્મચારીની સંડોવણી પણ હોઈ શકે છે. કસ્ટમ્સ વિભાગે આ કેસમાં ગત 9 નવેમ્બરના રોજ એક કેસ ફાઈલ કર્યો છે અને એરલાઇન્સના એમ્પ્લોયીની સંડોવણીની તપાસ હાથ ધરી છે.

કસ્ટમ્સ વિભાગના જણાવ્યા પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અમદાવાદ અને સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 60 કિલોથી વધારેની સોનાની દાણચોરી પકડી છે જેની વેલ્યુ અંદાજે રૂ. 20 કરોડ જેવી થાય છે. અમદાવાદ કસ્ટમ્સના પ્રિન્સીપાલ કમિશ્નર કુમાર સંતોશે જણાવ્યું હતું કે, અમે માહિતીના આધારે સ્પાઈસ જેટની બેંગકોકથી આવતી ફ્લાઈટમાં દિલ્હીના રોબીન નામના વ્યક્તિની ધરપકડ કરી હતી.

તેણે ગોલ્ડને પ્લેનમાં ખુરસીની નીચે સંતાડી અને પોતે બહાર નીકળી ગયો હતો. અમારી પાસે ચોક્કસ માહિતી હોઈ તપાસ કરતા અમારી ટીમને સોનું પ્લેનમાંથી મળ્યું હતું. અમને શંકા છે કે તેને મદદ કરવામાં સ્પાઈસ જેટના કોઈ કર્મચારીની સંડોવણી પણ હોઈ શકે છે.