આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. સીબીઆઈ કેસમાં સુપ્રીમ કોર્ટે પી ચિદમ્બરમને એક લાખના બોન્ડ પર અને દેશ ન છોડવાની શરતે જામીન આપ્યા છે. જોકે જામીન મળ્યા પછી પણ ચિદમ્બરમને તિડાહ જેલમાં જ રહેવું પડશે. કારણકે 24 ઓક્ટોબર સુધી તેઓ ઈડીની કસ્ટડીમાં છે.
સીબીઆઈ કોર્ટે આઈએનએક્સ મીડિયા મામલે સોમવારે ચિદમ્બરમ વિરુદ્ધની ચાર્જશીટને ધ્યાનમાં લીધી છે. કોર્ટે પૂર્વ મંત્રીને24 ઓક્ટોબરે હાજર થવાનો આદેશ આપ્યો છે. કોર્ટે તે સિવાય આરોપ પત્રમાં નામજોગ દરેક આરોપીયો સામે સમન્સ જાહેર કર્યો છે. જોકે તેમને ક્યારે હાજર થવાનું છે તે તારીખની કોઈ જાહેરાત કરવામાં નથી આવી.

સીબીઆઈએ શુક્રવારે ચિદમ્બરમ, તેમના દીકરા કાર્તિ અને અન્ય વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કર્યું છે. આરોપ પત્રમાં એજન્સીએ પીટર મુખરજી, કાર્તિ ચિદમ્બરમ, પી ચિદમ્બરમ, કાર્તિના અકાઉન્ટન્ટ ભાસ્કર અને અન્ય કર્મચારીઓ સહિત 14 લોકોના નામ સામેલ કરવામાં આવ્યા છે. એજન્સીએ આઈએનએક્સ મીડિયા, ચેસ મેનેજમેન્ટ અને એએસસીએલ કંપનીઓના નામ પણ આરોપપત્રમાં સામેલ છે.

સીબીઆઈએ ચાર્જશીટમાં આરોપ લગાવ્યો છે કે, ચિદમ્બરમ નાણા મંત્રી હતા ત્યારે તેમણે લાંચ લઈને આઈએનએક્સમીડિયાને 2007માં રૂ. 305 કરોડ અપાવવા માટે વિદેશી નવેશ પ્રોત્સાહન બોર્ડમાંથી મંજૂરી અપાવી હતી. આ નિર્ણય પ્રક્રિયામાં અન્ય પણ ઘણાં અધિકારીઓ સામેલ છે. તેમાંથી એકનું નામ સીબીઆઈ ચાર્જશીટમાં હોઈ શકે છે.  જોકે ઈન્દ્રાણી મુખરજી અને પીટર મુખરજીના ખાસ માનવામાં આવતા અધિકારીના નામનો ખુલાસો થયો નથી. સીબીઆઈની ચાર્જશીટમાં ઈન્દ્રાણી મુખરજી સરકારી સાક્ષી બને તેવી શક્યતા છે. હાલ તે તેની દીકરી શીના બોરા હત્યા કેસમાં જેલમાં બંધ છે.