મુંબઈ ઈન્ડિયન્સે અંતિમ બોલ સુધી ભારે રસાકસી ભરેલી ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને એક રને પરાજય આપીને આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 12મી સિઝન જીતી લીધી છે. મુંબઈ ચોથી વખત આઈપીએલ ચેમ્પિયન બન્યું છે. રસપ્રદ વાત એ છે કે મુંબઈએ ચારમાંથી ત્રણ ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને જ પરાજય આપ્યો છે. જ્યારે ચેન્નાઈ પાંચમી વખત રનર અપ રહ્યું છે. ચેન્નાઈની ટીમ આઠ વખત ફાઈનલમાં પહોંચી છે જેમાં તે ત્રણ વખત ચેમ્પિયન રહી છે.

હૈદરાબાદ ખાતે રમાયેલી ફાઈનલ અત્યંત રોમાંચક રહી હતી મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં આઠ વિકેટે 149 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેમાં કેઈરોન પોલાર્ડે 25 બોલમાં 41 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. 150 રનના લક્ષ્યાંકના જવાબમાં શેન વોટસનની આક્રમક ઈનિંગ્સની મદદથી ચેન્નાઈએ અંત સુધી લડત આપી હતી.

ચેન્નાઈને અંતિમ ઓવરમાં છ બોલમાં નવ રનની જરૂર હતી. જ્યારે અંતિમ બોલ પર વિજય માટે બે રનની જરૂર હતી પરંતુ લસિત મલિંગાએ અંતિમ બોલ પર શાર્દૂલ ઠાકુરને એલબીડબલ્યુ આઉટ કરીને મુંબઈને ચેમ્પિયન બનાવ્યું હતું. ચેન્નાઈએ 20 ઓવરમાં સાત વિકેટે 148 રન નોંધાવ્યા હતા. વોટસને 59 બોલમાં ચાર સિક્સર અને આઠ બાઉન્ડ્રીની મદદથી 80 રન ફટકાર્યા હતા. મુંબઈ માટે જસપ્રિત બુમરાહ અને લસિત મલિંગાએ અંતિમ બે ઓવરમાં બાજી પલટી નાંખી હતી. અગાઉ મલિંગા ઘણો મોંઘો સાબિત થયો હતો પરંતુ અંતિમ ઓવરમાં તે મુંબઈ માટે હીરો સાબિત થયો.

અગાઉ ચેન્નાઈના બોલર્સે દમદાર પ્રદર્શન કરીને મુંબઈને મોટો સ્કોર કરતા અટકાવ્યું હતું. ઈમરાન તાહિર, શાર્દૂલ ઠાકુર અને દીપક ચહરની શિસ્તબદ્ધ બોલિંગ સામે મુંબઈના બોલર્સને રમવામાં તકલીફ પડી હતી અને તેઓ આસાનીથી રન નોંધાવી શક્યા ન હતા. ચેન્નાઈ માટે ચહરે ત્રણ તથા તાહિર અને શાર્દૂલે બે-બે વિકેટ ઝડપી હતી. મુંબઈ માટે કેઈરોન પોલાર્ડ ઉપરાંત ઓપનર ક્વિન્ટન ડી કોકે 29 અને ઈશાન કિશને 23 રન નોંધાવ્યો હતો. જોકે, મેચમાં બંને ટીમની ફિલ્ડિંગ ઘણી નિરાશાજનક રહી હતી.

આઈપીએલ-12માં સનરાઈઝર્સ હૈદરાબાદનો ડેવિડ વોર્નર 692 રન સાથે સૌથી વધુ રન નોંધાવનારો બેટ્સમેન રહ્યો છે. જ્યારે ચેન્નાઈનો સ્પિનર ઈમરાન તાહિર સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર છે. તેણે ફાઈનલમાં મુંબઈ સામે બે વિકેટ ઝડપીને કુલ 26 વિકેટ પોતાના નામે કરી છે.