ભારતની સૌથી વધુ લોકપ્રિય બનેલી ક્રિકેટ સ્પર્ધા – આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ) પણ કોરોના વાઈરસના રોચચાળાની ઝપટે ચડી ગઈ છે. ટુર્નામેન્ટ 29 માર્ચથી શરૂ થવાની હતી, તે હાલ પુરતી તો 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવાઈ છે. આ સંજોગોમાં, મૂળ કાર્યક્રમની તુલનાએ આ વર્ષે ઓછી મેચ રમાય તેવી શક્યતા પ્રબળ બની છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ શનિવારે (14 માર્ચ) મુંબઈમાં આઈપીએલની ફ્રેન્ચાઇઝીસના માલિકો સાથે આ વિષે ચર્ચા કરી હતી. બીસીસીઆઈ સૂત્રે બેઠક પછી પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું હતું કે, ‘ટીમ માલિકો અને બીસીસીઆઈ વચ્ચે છથી સાત વિકલ્પો વિષે ચર્ચા કરાઈ હતી. ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે કહ્યું હતું કે, ‘બોર્ડ જાહેર સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં નિર્ણય લેશે અને ભારત સરકાર, રાજ્ય સરકારો અને અન્ય સરકારી સંસ્થાઓની સાથે મળીને કામ કરશે.’