ઓપિયોઇડ વ્યસનના દૂષણને વેગ આપવામાં સંડોવણી બદલ અમેરિકાના ઓકલાહોમાના જજે અમેરિકાની હેલ્થકેર જાયન્ટ કંપની જોન્સન એન્ડ જોન્સનને 572 મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ દવાઓના વ્યસનના કારણે અમેરિકામાં હજારો લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. ઓપિયોઇડ દવાઓ પેઇન કિલર તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. આ દવાઓમાં અફીણ, હેરોઇન અને મોર્ફિન જેવા કેફી દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે.
દંડની આ રકમમાંથી આ વ્યસનના પીડિતો અને તેમના પરિવારજનોને સહાય પૂરી પાડવામાં આવશે. જોન્સન એન્ડ જોન્સન અમેરિકાની પ્રથમ ફાર્મા કંપની છે જેની સામે ઓપિયોઇડ વ્યસનનો કેસ ચલાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે માત્ર વર્ષ ૨૦૧૭માં જ ઓપિયોઇડ વ્યસનના કારણે ૭૦,૦૦૦ લોકોના મોત થયા હતાં. તપાસકર્તાઓએ જોન્સન એન્ડ જોન્સન સામે ૧૭ અબજ ડોલરના વળતરની માગ કરી હતી. આ માગ અંગે જજે જણાવ્યું હતું કે સરકારે આ કેસને એટલો મજબૂત બનાવ્યો નથી કે કંપનીને ૧૭ અબજ ડોલરનો દંડ ફટકારવામાં આવે.
કોર્ટના આ ચુકાદા પછી જોન્સન એન્ડ જોન્સન કંપનીના શેરમાં બે ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જો કે આ દરમિયાન જોન્સન એન્ડ જોન્સનના વાઇસ પ્રેસિડેન્ટ માઇકલ ઉલ્માને એક નિવેદનમાં જણાવ્યું છે કે ઓકલાહોમાના ઓપિયોઇડ વ્યસન ક્રાઇસીસમાં અમારી કંપનીની કોઇ સંડોવણી નથી.
કંપનીએ આ ચુકાદો આવતાની સાાૃથે જ જણાવ્યું હતું કે તે આ નિર્ણયની વિરુદ્ધ અપીલ દાખલ કરશે. કંપનીએ વધુમાં જણાવ્યું છ કે આ અરજી અયોગ્ય રીતે દાખલ કરવામાં આવી હતી અને ઓકલાહોમામાં અને સમગ્ર દેશમાં ફેલાયેલા ઓપિયોઇડ દવાઓના વ્યસનમાં અમારી દવાઓની ખૂબ જ ઓછી સંડોવણી છે.