મેંદરડા – સાસણ રોડ પર મેંદરડાથી 14 કિમી દુર માલણકા ગામ પાસે એક પુલ ધરાશયી થયો હતો. જેમાં 3 ફોરવ્હીલ નીચે ખાબકી હતી. આ ઘટનામાં 12 જેટલા લોકોને નાની મોટી ઇજા પહોંચી છે. આ પુલની લંબાઇ 60 ફૂટ હતી. જેમાંથી 40 ફૂટનું જોડાણ તૂટી પડયું છે. હાલ મેંદરડા -સાસણનો માર્ગ બંધ થઇ ગયો છે.
જૂનાગઢ- સાસણને જોડતો એકમાત્ર મેંદરડા રોડ છે. ત્યારે મેંદરડાથી 14 કિમી દુર માલણકા ગામ પાસે મધુવંતી ડેમની પાસે પુલ આવેલો છે. રવિવારે સાંજનાં સમયે અચાનક આ પુલ તૂટી પડયો હતો. પુલ ઉપરથી પસાર થતી 3 ફોરવ્હીલ નીચે ખાબકી હતી. જોકે પુલનાં ઉપરનાં ભાગે આ ફોરવ્હીલ રહી હતી. ફોરવ્હીલ નીચે પડવાનાં કારણે 12 વ્યકિતને નાની-મોટી ઇજા પહોંચી હતી.
આ ઘટનાની જાણ તંત્રને થતાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીનાં માર્ગદર્શનમાં ફાયર, 108, વન વિભાગ, આરએન્ડબી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. તેમજ ઇજા પામેલા 12 લોકોને સાસણ, મેંદરડા અને જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ પુલ નવાબીકાળનો છે અને તેની લંબાઇ 60 ફૂટ છે. પુલનાં 20-20 ફૂટનાં ત્રણ કટકાથી જોડેલો છે. જેમાંથી 40 ફૂટનો પુલ તૂટી પડયો છે. આ પુલ તૂટવાનાં કારણે મેંદરડા- સાસણનો રોડ સંપુર્ણ બંધ થઇ ગયો છે.
પુલ ધરાશાયી થયો ત્યારે સાસણથી જૂનાગઢ આવતાં વિરલભાઇ તન્ના, જીત ઉનડકટે જણાવ્યું હતું કે, સદનસીબે અમારી ગાડીને બ્રેક લાગી ગઇ. જેના કારણે અમે બચી ગયા. ઘટના બની ત્યારે અમે માત્ર પાંચ ફૂટ જ દુર હતાં. કારચાલકે તંત્રને જણાવ્યું કે અમારી આગળ બે બાઇક સવાર ગયા હતાં. આ બાઇક સવાર પુલ ઓળંગી ગયા હતા કે કેમ ? આ અંગે તપાસ શરૂ કરી છે. પરંતુ અહીં મગર હોવાનાં કારણે તપાસ કરવી મુશ્કેલ બની છે. આ ઘટના બની ત્યારે પાછળ ટ્રક પણ આવતાં ત્યારે ટ્રકનાં ડ્રાઇવર અને અન્ય લોકોએ દોરડાની મદદથી પડેલા લોકોને બહાર કાઢવા મહેનત કરી હતી. તંત્ર પહોંચે તે પહેલા કેટલાક લોકોને બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં.
માલણકા પાસે પુલ ધરાશાયી થવાનાં કારણે સાસણ જવાનો માર્ગ સંપુર્ણ બંધ થઇ ગયો છે. સુત્રોનું માન્યે તો એક માસ સુધી આ પુલ રીપેર થઇ શકે તેમ નથી. કારણ કે અહીં પાણીનો ભરાવો એટલો છે કે, નવો પુલ બનાવવો અથવા તો અહીં ડાયર્વઝન કાઢવું મુશ્કેલ છે. મધુવંતી ડેમનાં પાણીનાં થડકા લાગવાનાં કારણે પુલ તૂટી પડયો છે. રસ્તો બંધ થતાં હાલ દેવળીયાનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો છે.
દેવળીયાથી માળિયાહાટીના થઇ નેશનલ હાઇવે થઇ જૂનાગઢ આવી શકાશે. જોકે મોટી મશીનરીનો ઉપયોગ કરવામાં આવે તો આ માર્ગ 10 દિવસે ખુલે તેમ છે. આ માર્ગ ખુલ્લો સાસણથી આવતા વાહન ચાલકોએ સુરજગઢ પાસે દેવળીયા પાર્કવાળો માર્ગ થઇ અમરાપુર અને ત્યાંથી સીધા માળિયાહાટીના થઇ નેશનલ હાઇવે પકડવાનો રહેશે. આ ઉપરાંત અમરાપુરથી ગઢળી, વલ્લભગઢ થઇ મેંદરડા પણ આવી શકાશે.