કોરીઓ ઓપન બેડમિંટન સ્પર્ધામાં ભારતીય બેડમિંટન સ્ટાર પી. કશ્યપનો સેમિ ફાઈનલમાં વર્લ્ડ નંબર વન, જાપાનીઝ ખેલાડી મોમોટા સામે ૧૩-૨૧, ૧૫-૨૧થી પરાજય થયો હતો. આ રીતે, કોરીઆ ઓપન સુપર ૫૦૦ ટુર્નામેન્ટમાં પણ ભારતનાે શો નબળો રહ્યો હતો.  ભારતના ચાર સિંગલ્સ પ્લેયર્સે કોરીઅન ઓપનમાં ભાગ લીધો હતો. સાઈના નેહવાલ અને સાઈ પ્રણિત પોતાની પ્રથમ મેચમાં ઈજાગ્રસ્ત થતાં ખસી ગયા હતા. તો, પી. વી. સિંધુનો પણ પહેલી જ મેચમાં આંચકાજનક પરાજય થયો હતો.

કશ્યપે શાનદાર ફોર્મ દેખાડતાં ટોકિયો ઓલિમ્પિકસમાં ક્વોલિફાય થવા માટેનો જંગ રોમાંચક બની ગયો છે. ઓલિમ્પિકસના નિયમ અનુસાર એક દેશના બે જ ખેલાડીઓને પ્રવેશ મળશે. રેન્કિંગમાં ટોચના બે સ્થાન ધરાવતા ખેલાડીઓ આપમેળે પસંદ થશે. ૩૩ વર્ષનો કશ્યપ નવા રેન્કિંગમાં ટોપ ૨૫માં આવી જશે. તે હાલમાં પ્રનોયથી આગળ નીકળી છે. ભારત તરફથી ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે કશ્યપ, પ્રનોય અને કિદામ્બી શ્રીકાંત વચ્ચે હરિફાઈ જામશે. તે અગાઉ, કશ્યપ આ સીઝનમાં બીજી વાર સેમિફાઇનલમાં પહોંચ્યો હતો. આ પહેલા તે ઇન્ડિયા ઓપન સુપર ટૂર્નામેન્ટના અંતિમ ચારમાં પહોંચ્યો હતો.