કેરળ સરકાર નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી છે. સરકારનું તર્ક છે કે આ કાયદો બંધારણના અનુચ્છેદ 14,21 અને 25નું ઉલ્લંઘન કરે છે. CAA ધર્મનિરપેક્ષતા જેવા મૂળ સિદ્ધાંત વિરુદ્ધ છે. આ પહેલા કેરળ પહેલું એવું રાજ્ય હતું જેને આ કાયદાને રદ કરવા માટે 31 ડિસેમ્બરે વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કર્યો હતો. CAA વિરુદ્ધ પહેલાથી જ 60 અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ છે. કોર્ટ આ અંગે 22 જાન્યુઆરીએ સુનાવણી કરશે. છેલ્લે એક સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આ કાયદા પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 10 જાન્યુઆરીના રોજ CAA અંગે માહિતી જાહેર કરી હતી. બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર પહેલા જ કહી ચુક્યા છે કે રાજ્યમાં CAA લાગુ નહીં કરવામાં આવે. ઘણા બિન-ભાજપ રાજ્યો CAA લાગુ કરવાનો ઈન્કાર કરી ચુક્યા છે. કેરળ સરકારે પાસપોર્ટ(ભારતમાં પ્રવેશ)સંશોધન નિયમ 2015 અને વિદેશી(સંશોદન)આદેશ 2015ની માન્યતાને પણ પડકારી છે. જેના હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી બિન-મુસ્લિમ પ્રવાસીઓને નિયંત્રિત કરવાનું હતું જે 2015 પહેલા ભારતમાં શરણાર્થી તરીકે રહેતા હતા.