સેક્સ વર્કર્સ માટે કોકેઇન ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરવાના મામલે હાઉસ ઓફ કોમન્સમાંથી છ મહિના માટે સસ્પેન્શન્ડ થયેલા લેબર એમપી કીથ વાઝે ફરીથી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. 62 વર્ષના વાઝે રવિવારે સાંજે એક નિવેદનમાં પાર્લામેન્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લેસ્ટર ઇસ્ટના એમપી તરીકે 32 વર્ષ પૂર્ણ કર્યા પછી મેં નિવૃત્ત થવાનું નક્કી કર્યું છે.

હું આઠ ચૂંટણીઓમાં વિજેતા થયો છું. શહેરમાં 1985માં આવ્યો ત્યારથી મને મારા મતવિસ્તારમાં સેવા કરવાની તક મળી છે તે સન્માનજનક બાબત છે. હું લેસ્ટર ઇસ્ટના લોકોનો આભારી છું કે, તેમણે વફાદારી નિભાવી અને મને સમર્થન આપ્યું. લેસ્ટર અને ખાસ તો લેસ્ટર ઇસ્ટના લોકો હંમેશા મારા દિલમાં વસેલા રહેશે. લેબર નેતા જેરેમી કોર્બિને જણાવ્યું હતું કે, 1987માં જે બ્લેક અને એશિયન લેબર એમપીનું પ્રથમ ગ્રૂપ ચૂંટાયું તેમાં કીથ વાઝ હતા. તેમણે ટોરીઝ પાસે સીટ જીતી લીધી ત્યારે મને ખૂબ ગૌરવ થયું હતું અને તેમની પસંદગી બદલ હું ગર્વ અનુભવતો હતો.

કીથ વાઝે લેસ્ટરના લોકોના એમપી તરીકે અને દેશભરમાં એશિયન સમુદાય માટેના જાહેરજીવનમાં યોગ્ય અને પ્રભાવક યોગદાન આપ્યું છે. વધુમાં વધુ BAME લોકો રાજકારણમાં આવે તે માટે કેડી કંડારવામાં તેમણે મદદ કરી છે. તેમણે બ્રિટનના પ્રથમ એશિયન મૂળના મિનિસ્ટર, હોમ અફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેન તરીકે પાર્લામેન્ટમાં ઉદાહરણરૂપ કામગીરી કરી છે.

આ ઉપરાંત ડાયાબિટીઝ મુદ્દે કેમ્પેઇનર તરીકે, યમનમાં શાંતિ સ્થાપવા માટે, વંશભેદ નાથવા માટે અને વિવિધ સમુદાયમાં એકતા જાળવવા તેમણે મહત્ત્વની કામગીરી કરી છે. હાઉસ ઓફ કોમન્સની પ્રતિષ્ઠા અને પવિત્રતાને નોંધપાત્ર નુકસાન થયું હોવાનું સ્ટાન્ડર્ડ કમિટીને જણાતા તેમણે એમપી તરીકે રાજીનામું આપ્યું હતું. કોકેઇનના મામલે તપાસ સમિતિને વાઝની સ્પષ્ટતા યોગ્ય જણાઈ નહોતી અને તેમના પર પાર્લામેન્ટમાં છ મહિના માટે પ્રતિબંધ મુકાયો હતો. કીથ વાઝ દ્વારા અગાઉ પણ એમપીની આચારસંહિતાના ઉલ્લંઘન બદલ સ્ટાન્ડર્ડઝ કમિટીએ એક મહિના માટે તેમના સસ્પેન્શનની ભલામણ કરી હતી.