ભારત અને પાકિસ્તાન વચ્ચે રહેલા તણાવની વચ્ચે ભારત અને ચીનના સૈનિક પણ લદ્દાખમાં બાખડી પડયા હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે. બંને દેશોના સૈનિકો વચ્ચે આ ઘટના 134 કિલોમીટર લાંબી પેંગોગ તળાવની ઉત્તર કિનારે થઈ જ્યાં એક તૃત્યાંશ ભાગ પર ચીનનું નિયંત્રણ છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય સૈનિક પેટ્રોલિંગ પર હતા અને આ દરમ્યાન તેઓ આમને-સામને ચીનના પીપલ્સ લિબ્રેશન આર્મીના સૈનિકોની સાથે થઇ ગયા. ચીની સૈનિકોએ વિસ્તારમાં ભારતીય સૈનિકોની હાજરીનો વિરોધ કર્યો ત્યારબાદ બંને બાજુ સૈનિકોમાં ધક્કા-મુક્કી થવા લાગી. બંને પક્ષોએ પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી, મોડી સાંજ સુધી આ સંઘર્ષ ચાલુ રહ્યો હતો.

મીડિયા રિપોર્ટ પ્રમાણે સેનાએ એટલું જ કહ્યું કે તણાવને ઓછો કરવા માટે દ્વિપક્ષીય વ્યવસ્થા બંને પક્ષના બ્રિગેડિયર સ્તરના અધિકારીઓની વચ્ચે વાતચીત માટે સહમત છે. એક અધિકારીએ કહ્યું કે લાઇન ઓફ એક્ઝુઅલ કંટ્રોલ (LAC)ની સ્થિતિને લઇ બંને પક્ષોની વચ્ચે ભિન્ન માન્યતાઓના લીધે આ પ્રકારની ઘટનાઓ મોટાભાગે થાય છે. તેની બોર્ડર પર્સનલ મીટિંગ કે ફલેગ મીટિંગ વગેરેથી સમાધાન કરી લેવાય છે.

પેંગોંગ તળાવના ઉત્તર કિનારા પર વિવાદાસ્પદ ફિંગર 5 થી ફિંગર 8 વિસ્તારમાં 15મી ઑગસ્ટ 2017ના રોજ પણ બંને દેશોના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઇ હતી, જેમાં પથ્થર અને લોખંડના રોડ્સનો પણ એકબીજા સામે ઉપયોગ કરાયો હતો. આ વર્ષે સિક્કિમ-ભૂતાન-તિબેટ સરહદ પર ડોકલામમાં બંને સૈનિકોની વચ્ચે ઘણા દિવસ સુધી તણાવ રહ્યો. 73 દિવસ સુધી એકબીજાની સામે ડટાયેલા રહ્યા બાદ સૈનિકો હટ્યા હતા.