સિંગર લતા મંગેશકરે કોરોના વાઇરસ સામેની જંગ લડવામાં તેમની આર્થિક સહાય નોંધાવી છે. લતા દીદીએ મરાઠીમાં ટ્વીટ કરી જાહેર કર્યું કે તેઓ મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયાનું યોગદાન આપી રહ્યા છે.તેમણે લખ્યું કે, આ કઠિન સમયમાં સરકારની મદદ કરવી આપણું કર્તવ્ય છે. હું મારા તરફથી મુખ્યમંત્રી રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયા આપું છું. હું દરેકને વિનંતી કરું છું કે આપણે કોરોના સામેની લડાઈમાં સરકારની યથાશક્તિ મદદ કરવી જોઈએ. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી આ પહેલાં અક્ષય કુમાર, વિકી કૌશલ, રાજકુમાર રાવ, આયુષ્માન ખુરાના, ગુરુ રંધાવા, વરુણ ધવન, કેટરિના કૈફ, આલિયા ભટ્ટ, સારા અલી ખાન સહિત અનેક સેલેબ્સે તેમનો આર્થિક ફાળો જાહેર કર્યો છે. તેમાં સૌથી વધુ અક્ષય કુમારે 25 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.