ફાઈલ ફોટો

આયર્લેન્ડના વડાપ્રધાન લીયો વરાડકરે તેમના પરિવારના સભ્યો સાથે મહારાષ્ટ્રમાં પોતાના વડવાઓના ગામની મુલાકાત લીધી હતી. વરાડકર પરિવારના ત્રણ પેઢીના સભ્યોએ મુંબઇથી 500 કિ.મી. દૂર માલવણ તાલુકાના વરાડ ગામની પહેલી જ વખત મુલાકાત લેતાં વિશેષ પળો માણી હતી.

ભારતીય ઇમિગ્રન્ટ પિતા અને આઇરિશ માતાના સંતાન લીયો વરાડકરે જણાવ્યું હતું કે, હું માતા- પિતા, બહેનો તેમના પતિઓ, મારા પાર્ટનર, પૌત્ર પૌત્રીઓ સાથે પારિવારિક મુલાકાતે આવ્યા છીએ. હાલની અંગત મુલાકાત બાદ તેઓ ફરીથી વિધિવત મુલાકાતે પણ આવશે.

લીયોના પિતા અશોક વરાડકર 1960ના દાયકામાં યુકે જઇને વસ્યા હતા. લીયોનો જન્મ ડબ્લિનમાં આઇરિશ માતાની કૂખે થયો હતો. લીયોએ 2015માં જાહેર કર્યું હતું કે, તેઓ ગે છે. આયર્લેન્ડે સમાન જાતિના લગ્નને કાયદેસરતા આપેલી છે.

લીયો વરાડકર 2017માં આયર્લેન્ડના વડાપ્રધાન બન્યા હતા. લીયોના પિતા અને દાદાનો જન્મ અને ઉછેર વરાડ ગામમાં થયો હતો. લીયો વરાડકર આ અગાઉ ચાર વખત ભારતની મુલાકાતે જઈ ચૂક્યા છે પરંતુ વડવાઓના ગામની મુલાકાત પહેલીવાર લીધી છે.

લીયો વરાડકર અને તેમનો પરિવારનું ગોવામાં નવા વર્ષની ઉજવણીનું આયોજન છે. આ મુલાકાત ખાનગી હોવાથી કોઇ સરકારી સમારંભનું આયોજન કરાયું નથી. લીયો અને તેમનો પરિવાર પહેલી જાન્યુઆરી સુધી ગોવામાં રોકાશે અને પહેલી જાન્યુઆરીએ બપોરે ડેબોલિમ એરપોર્ટથી આયર્લેન્ડ પાછા ફરવા રવાના થશે એમ એક અધિકારીએ જણાવ્યું હતું.