LONDON, ENGLAND - NOVEMBER 29: Metropolitan Police Armed Response officers gather near Borough Market after reports of shots being fired on London Bridge on November 29, 2019 in London, England. Police responded to an incident around 2:00 pm local time, followed by reports of gunfire. (Photo by Chris J Ratcliffe/Getty Images)

તા. 29ને શુક્રવારને રોજ બપોરે બે વાગ્યાના સુમારે લંડન બ્રિજ પર એક ત્રાસવાદીએ હુમલો કરી કેમ્બ્રિજ યુનિવર્સિટીના સ્નાતકો જેક મેરિટ અને સાસ્કીઆ જોન્સની છુરાબાજીમાં હત્યા કરી હતી, તો બીજા ત્રણને ઈજાઓ થઈ હતી. હુમલા પછી પોલીસે ઠાર કરેલો ત્રાસવાદી ઉસ્માન ખાન હોવાનું પોલીસે તેની ઓળખ જાહેર કરતાં જણાવ્યું છે.
લંડન સ્ટોક એક્સચેંજને બોમ્બ વિસ્ફોટ કરી ઉડાવી દેવાના કાવતરાના આરોપ બદલ 2012માં જેલમાં ધકેલવામાં આવેલા, પાકિસ્તાનમાં જન્મેલા ઉસ્માન ખાને પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીર (પીઓકે)માં તેના પરિવારની માલિકીની જમીનમાં ત્રાસવાદી તાલીમ શિબિર પણ બનાવી હતી. ઇસ્લામિક સ્ટેટે આ ત્રાસવાદી હુમલા પાછળ તેનો હાથ હોવાનો દાવો કર્યો હતો. બ્રિટિશ અધિકારીઓએ જો કે, તે દાવાઓ પર શંકા વ્યક્ત કરી છે.
મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતુ કે ‘’ઉસ્માન ખાને શુક્રવારે સવારથી લંડન બ્રિજના ઉત્તર તરફના છેડે મોન્યુમેન્ટ સ્ટેશન નજીક આવેલા ફિશમોંગર્સ હોલમાં યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજની કેદીઓના પુનર્વસન અંગેની એક કોન્ફરન્સ ‘લર્નિંગ ટુ ગેધર’ના વિવિધ વર્કશોપમાં ભાગ લીધો હતો. તેણે એક કેદી તરીકેના પોતાના અનુભવો પણ વર્ણવ્યા હતા.
ત્યાંથી તે વધુ લોકોની હત્યા કરવાના ઇરાદે લંડન બ્રિજ તરફ આવ્યો હતો પરંતુ તેની સાથે હોલમાં, સેમિનારમાં ભાગ લેવા આવેલા 42 વર્ષના કેદી જેમ્સ ફોર્ડ તથા અન્ય બહાદૂર નાગરિકોએ તેને આંતર્યો હતો અને પોલીસ આવે ત્યાં સુધી તેને પકડી રાખ્યો હતો. પોલીસે ઉસ્માન ખાન ભયજનક લાગતા તેને બે ગોળી મારી ઠાર કર્યો હતો.
બનાવને પગલે એમ્બ્યુલન્સ સેવાએ “મોટી ઘટના” જાહેર કરી હતી અને અતિ વ્યસ્ત લંડન બ્રિજ સ્ટેશન ઘણા કલાકો બંધ રખાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં જ બ્રિટને ત્રાસવાદનું જોખમનું પ્રમાણ “ગંભીર”થી ઘટાડીને “નોંધપાત્ર” કર્યું હતુ. 2014 પછીનું તે સૌથી નીચું સ્તર હતુ.
ISIS એ લંડન બ્રિજના હુમલાની જવાબદારી સ્વીકારી છે. જૂથે તેની પ્રચારક અમક ન્યૂઝ એજન્સીના માધ્યમથી શનિવારે જાહેર કર્યુ હતુ કે ‘સાથી દેશોના નાગરિકોને નિશાન બનાવવામાં આવતા હોવાથી આ હુમલો ઇસ્લામિક સ્ટેટના એક લડવૈયા દ્વારા કરાયો હતો.’’ જો કે, તેણે તેના દાવાને ટેકો આપતા કોઈ પૂરાવા આપ્યા નહોતા.
સ્કોટલેન્ડ યાર્ડના કાઉન્ટર ટેરરિઝમ પોલિસીંગના વડા અને ભારતીય બ્રિટિશર આસિસ્ટન્ટ પોલિસ કમિશ્નર નીલ બાસુએ શનિવારે જણાવ્યું હતું કે ‘’સ્ટેફર્ડશાયર વિસ્તારમાં રહેતા ઉસ્માન ખાને આ હુમલો કર્યો હતો. પોલીસે તેજ દિવસે ઉસ્માનના ઘર પર દરોડો પાડી તપાસ આદરી હતી.
તેણે પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીર (પીઓકે)ના કેમ્પમાં તાલિમ આપવા માટે યુકેમાંથી ક્ટ્ટરવાદીઓની ભરતી કરવાની યોજના પણ ઘડી હતી. ઉસ્માન ખાને તેના બે સાગરીતો સાથે મળીને યુકેની સંસદ પર મુંબઇ શૈલીના હુમલાની ચર્ચા કરી સેન્ટ્રલ લંડનની એક સર્વેલન્સ ટ્રિપ પણ કરી હતી.
ન્યાયાધીશ એલન વિલ્કીએ તેને 16 વર્ષની જેલની સજા કરી હતી, જેમાંના ઓછામાં ઓછા આઠ વર્ષ જેલમાં ગાળવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેને ડિસેમ્બર 2018માં લાઇસન્સ પર જેલમાંથી મુક્ત કરાયો હતો અને તેને પગે ઇલેક્ટ્રોનિક ટેગ લગાવવામાં આવ્યો હતો. બ્રિટિશ વડા પ્રધાન અને તે સમયના લંડનના મેયર બોરિસ જ્હોન્સન પણ તેના હિટ-લિસ્ટમાં હતા.
અલ કાયદાની વિચારધારાથી પ્રેરિત 28 વર્ષના ઉસ્માન ખાને તેની કિશોર અવસ્થા પાકિસ્તાનમાં વિતાવી હતી. ખાને કોઈ શૈક્ષણિક લાયકાત વિના શાળા છોડી દીધી હતી, જ્યાં તે તેની બિમાર માતા સાથે રહેતો હતો.
સરકારની ઇમરજન્સી કોબ્રા કમિટીની બેઠક પહેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું હતું કે ‘’ગંભીર અને હિંસક ગુનેગારોને જેલમાંથી વહેલા બહાર આવવા દેવાની પદ્ધતિ બદલવી ખૂબ જ મહત્વની, જરૂરી છે અને ખતરનાક ગુનેગારો, ખાસ કરીને ત્રાસવાદીઓ માટે પુરતી સજાનો નિયમ લાગુ કરવો ખૂબ જ જરૂરી છે.’’
તાજેતરમાં જ હિંસક ગુનેગારો માટે સખત સજા કરવાની યોજના જાહેર કરનાર હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે કહ્યું હતું કે ‘’પોલીસને તપાસ પૂરી કરવા માટે “અવકાશ અને સમય” ની જરૂર છે અને તેમને વિષે અનુમાન કરવુ યોગ્ય નથી. અમે આ ખૂબ જ મુશ્કેલ તપાસ માટે પોલીસને સમર્થન આપીએ છીએ.
તે પછી ફિશમોંગર્સ હોલમાં તેણે છુરાબાજી કરી કેમ્બ્રિજ યુનિવર્સિટીના સ્નાતકો અને આ પરિસંવાદમાં ઉપસ્થિત જેક મેરિટ અને સાસ્કીઆ જોન્સની હત્યા કરી હતી અને નકલી સુસાઇડ વેસ્ટ બતાવી મકાનને ઉડાવી દેવાની ધમકી આપી હતી.