કમોસમી વરસાદ બાદ ગુજરાતના ખેડૂતોની કફોડી સ્થિતિ અંગે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેણે ખેડૂતોને સાથે રાખીને આંદોલન કરવાની વાત કરી હતી. ભારે વરસાદથી ખેડૂતો ને થયેલી નુકસાની અને ચાલુ વર્ષે ખેડૂતોને ખેતીમાં પડેલ મુશ્કેલીને લઈને હાર્દિક પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું કે, આગામી સમયમાં ખેડૂતોને સાથે રાખી ખેડૂત આંદોલન કરવામાં આવશે.હાર્દિક પટેલે કહ્યું કે, સૌરાષ્ટ્રમાં વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. ગુજરાતના ખેડૂતોને 3-3 વાર પાક નુકશાનનો સામનો કરવો પડ્યો છે.

સરકાર અને ઈન્સ્યોરન્સ કંપનીની જવાબદારી છે કે, પ્રીમિયર માટે તરત જ રૂપિયા કાપી લેવાય છે, તો પાક વીમો પણ જલ્દી આપે. ખેડૂત સરકાર પાસે જાય તો સરકાર બેંકનું નામ આપે અને બેંક પાસે જાય તો બેંક સરકારનું નામ આપે. આવામાં ખેડૂતો માટે અમે લડીશું. ખેડૂતોની પરિસ્થિતિ સમજવા પ્રયાસ સરકાર કે સરકારમાં બેસેલા મંત્રીઓ નથી કરતા. ખેડૂતોને તાત્કાલિક પાક વીમો આપવો જોઈએ. ખેડૂતોનો અવાજ બનવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ.

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે કહ્યું કે, મગફળી અને કપાસમાં સંપૂર્ણ નુકશાન છે, તો અમારી વિનંતી કે જલ્દીથી ખેડૂતોને સંપૂર્ણ પાક વીમો આપવામાં આવે. 7 દિવસમાં પાક વીમો નહિ આપવામાં આવે તો ખેડૂત આંદોલન થશે. રાજકોટ કલેક્ટરને મળી તત્કાલીન વીમો આપવા અમે માંગ કરીશું.

ભાજપ જિલ્લા પંચાયત તોડવાના પ્રયાસ સરકાર કરવા મથે છે, પણ ખેડૂતો માટે કોઈ કામ નથી કરતા. ખેડૂતો સાથે સરકાર મજાક કરી રહી છે. અમે પ્રતીક ઉપવાસ કરીશું, ખેડૂતોને ભેગા કરીશું, ગામડે ગામડે જશું. કૃષિ મંત્રી સૌરાષ્ટ્રના છે, પણ આ કોઈ મંત્રીએ સૌરાષ્ટ્રના ખેડૂતોમાં નુકશાન અંગે મુલાકાત નથી લીધી.