Mumbai: Maharashtra CM Devendra Fadnavis during a press conference in Mumbai, Tuesday, Nov. 26, 2019. Fadnavis on Tuesday resigned as Maharashtra Chief Minister (PTI Photo/Shashank Parade)(PTI11_26_2019_000152B)

મહારાષ્ટ્રના રાજકારણમાં શુક્રવારે – શનિવારે અડધી રાત્રે સત્તાનું વરવું રાજકારણ રમાયા પછીના ચોથા જ દિવસે સુપ્રીમ કોર્ટના આદેશના પગલે તખ્તો પલટાયો હતો અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.

સુપ્રીમ કોર્ટે મંગળવારે સવારે એવો આદેશ આપ્યો હતો કે 30 કલાકમાં, અર્થાત બુધવારે સાંજ સુધીમાં ભાજપ સરકારે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરવાની રહેશે અને ધારાસભ્યોનું વોટિંગ ગુપ્ત નહીં રહે, સમગ્ર કાર્યવાહીનું લાઈવ ટેલિકાસ્ટ કરવાનું રહેશે. આ આદેશના પગલે ભાજપના પગ તળેથી સત્તાની જાજમ સરકી ગઈ હતી, કારણ કે સોમવારે સાંજે જ શિવ સેના, એનસીપી અને કોંગ્રેસે પોતાના 160થી વધુ ધારાસભ્યોને મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા.

આ ત્રણે પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં પણ તેમના ધારાસભ્યોની સહીઓ સાથેની એફિડેવિટ રજૂ કરી હતી. ભાજપ, કેન્દ્ર સરકાર તેમજ મહારાષ્ટ્રના રાજ્યપાલ વતી વકીલોએ કોર્ટમાં સોમવારે એવા ભરપૂર પ્રયાસો કરાયા હતા કે, કોર્ટ કોઈ દરમિયાનગીરી કરે નહીં, જે પગલાં લેવાયા છે તે બધા જ બંધારણ અને નિયમાનુસારના છે. પણ કોર્ટે મંગળવારે સવારે આપેલા આદેશ અને એનસીપીના અજિત પવારના સમર્થક ધારાસભ્યોની સંખ્યામાં કોઈ વધારો નહીં થઈ શકતાં પહેલા અજિત પવારે નાયબ મુખ્યપ્રધાન તરીકે અને પછી બપોરે લગભગ ચાર વાગ્યે દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવાની ફરજ પડી હતી. તેના પગલે, બુધવારે વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની આવે તે પહેલા જ ભાજપ સરકારનું પતન થયું હતું. ફડણવીસે મીડિયાને સંબોધતાં કહ્યું હતું કે, અમારી પાસે બહુમતી નથી, હવે રાજ્યપાલને મળી રાજીનામું આપીશ.

એ પછી, મોડી સાંજે શિવ સેનાના નેતા ઉદ્ધવ ઠાકરેને ત્રણ પક્ષોના મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના નેતા જાહેર કરાયા હતા અને તેઓ રવિવારે મુખ્ય પ્રધાનપદે શપથ લેશે એવી પણ જાહેરાત કરાઈ હતી. ઠાકરે એનસીપી નેતા શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીનો આભાર માન્યો હતો. અજિત પવારને પાર્ટી અને પરિવારમાં પાછા લાવવાના સતત પ્રયાસો અને દબાણ તથા તેને ધાર્યા મુજબ એનસીપીના ધારાસભ્યોનું સમર્થન પણ નહીં મળતા ભાજપની સાથે રહી સત્તામાં બેસવાની તેની યોજના ઉપર પાણી ફરી વળ્યું હતું.

અગાઉ, મહારાષ્ટ્રના રાજયપાલે ભાજપના મુખ્ય પ્રધાનને 30મી સુધીમાં બહુમતી સાબિત કરવાની મુદત આપી હતી અને ભાજપ નેતાઓ એવા દાવા કરતા રહ્યા હતા કે અમે તો સાત કલાકમાં ય બહુમતી સાબિત કરી શકીએ તેમ છીએ.
મહારાષ્ટ્રના સત્તાકારણમાં શરદ પવાર સૌથી પાવરધા સાબિત થયા હતા અને તેઓએ મોદી – અમિત શાહની બાજી ઉંધી પાડી દીધાનું હાલમાં તો સાફ દેખાય છે.