મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી બીજેપી અને શિવસેના વચ્ચે સરકાર બનાવવાને લઈને ખેંચતાણ ચાલી રહી છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પહેલા જ કહી ચુક્યા છે જે નક્કી થયું હતું તે લઈને ઝંપશે. તેમણે કહ્યુ કે શિવસેના પાસે હજી તમામ વિકલ્પ ખુલ્લા છે. આ દરમિયાન બીજેપી નેતાઓ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા માટે રાજભવન પહોંચ્યા હતા. આશા છે કે બીજેપી સરકાર રચવાનો દાવો કરી શકે છે.
બીજી તરફ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપ્યું છે કે, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં જ સરકાર બનશે. બીજી તરફ શિવસેનાએ પણ રાજ્યપાલને મળવા માટેનો સમય માંગ્યો છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયત વચ્ચે શિવસેનાને ડર છે કે બીજેપી તેના ધારાસભ્યોને તોડી શકે છે અને સરકાર બનાવવા માટે જાદુઇ આંકડા સુધી પહોંચી શકે છે. આ કારણે શિવસેનાએ પોતાના ધારાસભ્યોને હૉટલમાં ખસેડી દીધા છે.
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ખેંચતાણના સમાચાર વચ્ચે કેન્દ્રી મંત્રી નીતિન ગડકરીએ મૌન તોડ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે સરકાર બનાવવા અંગે બહુ ઝડપથી કોઈ નિર્ણય લેવામાં આવશે. સાથે સાથે તેમણે મુખ્યમંત્રી ના પદ માટે ચાલી રહેલી અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દેતા જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ ના નેતૃત્વમાં જ સરકાર બનશે. નીતિન ગડકરીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ અને સંઘ પ્રમુખ મોહન ભાગવતને આની સાથે કોઈ સંબંધ નથી.
નીતિન ગડકરીએ કહ્યુ કે સરકાર બનાવવા અંગે શિવસેના સાથે સતત વાતચીત ચાલી રહી છે. અમને વિશ્વાસ છે કે શિવસેના સાથે મળીને અમે સરકારનું નિર્માણ કરીશું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે તેમનું નામ ચાલી રહ્યું હોવા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે આવી કોઈ સંભાવના ન હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે દિલ્હીમાં જ રહેવાની વાત કરી હતી.
આ પહેલા શિવસેનાના વરિષ્ઠ નેતા અને સામનાના કાર્યકારી સંપાદક સંજય રાઉતે બીજેપી અને ખાસ તો દેવેન્દ્ર ફડણવીસ પણ આકરા પ્રહારો કર્યા હતા. રાઉતે કહ્યુ હતુ કે શિવસેનાના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે સ્વીકાર્ય નથી. તેમણે કટાક્ષ કરતા કહ્યુ કે, જો તેમની ઈચ્છા હોય તો તેઓ (દેવેન્દ્ર ફડણવીસ) કાલે જ નાયબ મુખ્યમંત્રી બની શકે છે.
સંજય રાઉતે દેવેન્દ્ર ફડણવીસ પર આકરા પ્રહાર કરતા કહ્યુ કે, લાંબા સમયથી અમે વિરોધ સહન કરી રહ્યા છીએ પરંતુ અમને ખતમ કરવાની વાત બોલનાર કોઈ નથી મળ્યું. તેમણે શિવસેનાને ખતમ કરવી છે, પોતાના વિરોધીઓને ખતમ કરવા છે. પોતાની પાર્ટીમાં જ પડકાર ફેંકી રહેલા નેતાઓને ખતમ કરવા છે. અહંકારીનો અહમ તોડવાનો આ યોગ્ય સમય છે.