મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં આવેલા ચોંકાવનારા પરિણામોએ સરકાર રચવા બાબતે ભારે મડાંગાંઠ સર્જી હતી. ત્યાર બાદ રવિવારે રવિવારે ભાજપે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને જણાવી દીધું હતું કે તેઓ સરકાર રચશે નહીં. બીજી બાજુ રાજ્યપાલે શિવસેનાને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે. એનસીપી ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન બનાવવાની શરત સાથે શિવસેનાને ટેકો આપવાની વાત કરી છે. તેમણે શિવસેનાને NDAમાંથી છૂટા થવાની શરત કરી છે. કેન્દ્રના એકમાત્ર શિવસેનાના મંત્રી અરવિંદ સાવંત રાજીનામું આપી શકે છે.

સોમવારે શિવસેનાના રાઉત સોનિયાને મળે તેવી શક્યતા છે. NCPને ડે. સીએમ અને કોંગ્રેસને સ્પીકર પદ મળી શકે છે. પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટિલે શિવસેના પર આક્ષેપ કર્યો હતો કે શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું છે. રાજ્યપાલે સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું પણ બહુમતી નહીં હોવાથી તેમણે સરકાર નહીં રચવાનું નક્કી કર્યું છે. NCPના નેતા નવાબ મલિકે કહ્યું કે તેઓ શિવસેનાને ટેકો આપી શકે છે પરંતુ પહેલી શરત એ છે કે શિવસેના એનડીએમાંથી બહાર નીકળે. એનસીપીના વડા શરદ પવાર સોમવારે પક્ષના ધારાસભ્યો સાથે બેઠક કરશે.

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આવ્યાને 16 દિવસ થયા છતાં હજુ સુધી સરકાર રચાઈ શકી નથી.શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે રાજ્યમાં કોઈ પણ ભોગે મુખ્યપ્રધાન તો તેમના પક્ષના જ હશે. રાઉતે કહ્યું હતું કે કોંગ્રેસ મહારાષ્ટ્રની દુશ્મન નથી. દરેક પક્ષમાં કેટલાક મતભેદ રહે છે. રાઉતે શિવસેનાના મુખપત્ર સામનામાં ફડણવીસ પર આક્ષેપ કરતા કહ્યું કે તેઓ ડરાવવાની-ધમકાવવાની રાજનીતિ કરી રહ્યા છે. જ્યારે રાજકીય સમર્થનની ધમકી આપીને અને માગણીની રીત કામ નથી લાગતી તો એ સ્વીકારી લેવું જોઈએ કે હિટલર મરી ચૂક્યો છે અને ગુલામીના વાદળ વિખેરાઈ ગયા છે.