24 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની બે દિવસની ભારતની યાત્રા માટે અમદાવાદ આવશે. અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું અમદાવાદના એરપોર્ટ ખાતે સ્વાગત કરશે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નમસ્તે ટ્રપ કાર્યક્રમ દરમિયાન 5000 વીવીઆઈપી હસ્તીઓને આમંત્રણ પાઠવ્યું છે.

ગુજરાત સરકારે આમંત્રણ મોકલવાની શરૂઆત કરી દીધી છે. આ કાર્યક્રમ દરમિયાન ફિલ્મ જગતના કલાકારો, રમત ક્ષેત્રના દિગ્ગજો, દેશના ઉધોગપતિઓને પણ આમંત્રણ પાઠવ્યું છે. આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પ દિલ્હીની એક સરકારી શાળાના વિધાર્થીઓ સાથે સમય પસાર કરશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે આવનારી અમેરિકાની પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ દિલ્હીની સરકારી શાળાની મુલાકાત લેશે. અમેરિકી દૂતાવાસ એજન્સી દિલ્હી સરકારના સંપર્કમાં છે. મેલાનિયા ટ્રમ્પ દિલ્હીમાં સ્થિત આદર્શ સરકારી શાળાના વિધાર્થીઓની સાથે મળીને તેમની સાથે વાતો કરશે. આ સિવાય તેઓ બુક રીડીંગ કરતા જોવા મળશે. મેલનિયા ટ્રમ્પના આ સંભવિત કાર્યક્રમમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ હાજર રહેશે.