ભારતની માનસી જોશીએ સ્વિત્ઝરલેન્ડમાં યોજાઈ ગયેલી વર્લ્ડ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી રેકોર્ડ નોંધાવ્યો છે. માનસી એક ગુજરાતી યુવતી છે તે રાજ્ય માટે વધુ ગૌરવની વાત છે.
માનસીએ નવ વર્ષની ઉંમરે બેડમિંટન રમવાનું શરૂ કર્યું હતું. રાજકોટની વતની, માનસીએ શરૂઆતમાં શાળા અને જિલ્લા સ્તરે ઘણી સ્પર્ધાઓમાં સફળતા હાસલ કરી હતી. 2011મા માનસી એક મોટી દુર્ઘટનાનો ભોગ બની હતી. તે સ્કૂટર પર જઈ રહી હતી ત્યારે પાછળથી એક ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટના બાદ તેનો ડાબો પગ કાપવો પડ્યો હતો. માનસી 50 દિવસ હોસ્પિટલમાં દાખલ રહી હતી. પરંતુ તેણે હિંમત હારી નહોતી અને ફરી રમવાનું શરૂ કર્યું હતું. માનસીએ હૈદ્રાબાદમાં પુલેલા ગોપીચંદ એકેડમીમાં રજીસ્ટ્રેશન કરાવી પોતાના સપનાને નવી પાંખો આપવાનું શરૂ કર્યું હતું. માનસીએ 2015મા ઈંગ્લેન્ડમાં પેરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મિક્સ્ડ ડબલ્સનો સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ તેનો પ્રથમ મોટો મેડલ હતો. આ ટૂર્નામેન્ટથી ગોલ્ડ જીતવાની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. દુર્ઘટનાના આઠ વર્ષ પછી 2019મા માનસી ગોલ્ડન સફળતા હાસલ કરવામાં સફળ રહી હતી. 30 વર્ષની ઇલેક્ટ્રોનિક એન્જિનિયર માનસીએ પીવી સિંધુના થોડા કલાકો પહેલા ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. માનસીની નાની બહેન નૂપુરે જણાવ્યું કે, હવે માનસીનો આગામી ટાર્ગેટ પેરાઓલિમ્પિક ગેમ્સ પર છે.