દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકીએ 3,000 અસ્થાયી કર્મચારીઓની છટણી કરી છે. કંપનીના ચેરમેન આર.સી. ભાર્ગવના મતે ઑટો ઇન્ડસ્ટ્રીની મંદીના કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. જોકે, કંપનીના કાયમી કર્મચારીઓની નોકરી પર જોખમ નથી. કંપનીના ચેરમેને વાર્ષિક સામાન્ય સભામાં કહ્યું કે એપ્રિલ 2020થી નાની ડીઝલ કારોનું વેચાણ બંધ કરી દેશે. નાની ડીઝલ કારોના સ્થાને કંપનીની નજર CNG કારો પર છે.
મારૂતિએ એપ્રિલમાં જાહેરાત કરી હતી કે આગામી વર્ષના અંત સુધીમાં તે બી.એસ 6 એમિશ નૉર્મ્સ મુજબ કારોનું પ્રોડક્શન કરશે. એ.જી. એમમાં ચર્ચા થઈ કે કંપની સી.એન.જી.ગાડીઓના ઉત્પાદનમાં 50 ટકાનો વધારો કરવાનું આયોજન કરી રહી છે. કંપની બ્રેઝા અને અર્ટિગાના પેટ્રોલ વૅરિએન્ટનું વેચાણ શરૂ રાખશે.
ભાર્ગવે જણાવ્યું કે વર્તમાન નાણાકિય વર્ષમાં ત્રીજા અથવા તો અંતિમ ક્વાર્ટરમાં વાહનોના વેચાણમાં નફો દેખાશે. બીએસ-VI ટ્રાન્ઝિશનના કારણે આગામી નાણાકિય વર્ષમાં વેચાણ વધવાની અપેક્ષા છે. કંપનીના ચેરમેનને વિશ્વાસ છે કે નાની ગાડીઓમાં સી.એન.જીનો વિકલ્પ સારો રહેશે. પેટ્રોલ-ડિઝલના વિકલ્પના ભાગરૂપે કંપની પાસે સી.એન.જી. ગાડીઓની ફોજ છે.