જાણીતા રામ કથાકાર મોરારીબાપુએ એક કથામાં કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. જો કોઈ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો એ શિવ નથી પણ બનાવટી નીલકંઠ છે.

હવેના સમયમાં નીલકંઠનું છેતરામણું રૂપ આવતું જાય છે. જેમણે ઝેર પીધું તે નીલકંઠ છે. જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન કહેવાય. મોરારીબાપુની આ વાત સાંભળીને હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી છે. તેને કારણે સ્વામીનારાયણ સંપ્રદાયમાં રોષની લાગણી પણ જોવા મળી. બાપુના નીલકંઠવર્ણી પર કટાક્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો નારાજ થયા છે.

આજે જૂનાગઢમાં રૂદ્રેશ્વર જાગીરભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતીબાપુએ મોરારિબાપુના સમર્થનમાં વીડિયો જાહેર કર્યા બાદ હવે મહામંડલેશ્વર જગુબાપુએ મોરારિબાપુના સમર્થનમાં સંતોના સંમેલનનું એલાન કર્યુ છે. આવતીકાલે જૂનાગઢના પ્રેરણાતીર્થ ધામમાં સનાતન ધર્મના સંતોનું સંમેલન યોજાશે. આ સંમેલનમાં મોરારિબાપુના સમર્થનમાં સંતો એકઠા થશે.

મહામંડલેશ્વર જગુબાપુએ જણાવ્યું કે ‘આવતીકાલે પ્રેરણાતીર્થ ધામમાં સૌરાષ્ટ્રના તમામ મહામંડલેશ્વરો તમામ સંતો, સૌરાષ્ટ્રની જુદી જુદી જગ્યાના મહંતો એકઠા થઈ મોરારિબાપુ વિશે ન બોલવાના જે શબ્દો બોલવામાં આવ્યા છે તેના વિશે સૌ લોકો એક છે એવો સંદેશો આપવા માંગીએ છીએ.

‘બાપુની તરફેણમાં રૂદ્રદેશ્વર જાગીર ભારતી આશ્રમ જૂનાગઢ અને ઘાંટવડના મહંત ઇન્દ્રભારતીબાપુ આવ્યા છે. ઇન્દ્રભારતીબાપુએ એક વીડિયોના માધ્યમથી કહ્યું છે કે ‘ મોરારી બાપુ માફી શું કામ માંગે, મોરારી બાપુ માફી નહીં માંગે અમે મોરારી બાપુને માફી માંગવા નહીં દઈએ’