હૈદરાબાદમાં મહિલા તબીબ પર ક્રુરતાપૂર્વકના બળાત્કાર તથા હત્યાના ઘેરા પ્રત્યાઘાત આજે સંસદમાં પડયા હતા. તમામ પક્ષોએ એક સૂરમાં બળાત્કારીઓને આકરામાં આકરી સજા કરવા માંગ ઉઠાવી હતી. જયાં બચ્ચને તો આરોપીઓને ‘ટોળાને હવાલે’ કરી દેવાનો અત્યંત આક્રમક સૂર દર્શાવ્યો હતો. 31 ડિસેમ્બર સુધીમાં જ ફાંસીના માંચડે લટકાવી દેવાની માંગ ઉઠી હતી. સંસદના શિયાળુ સત્રના આજના 11મા દિવસે લોકસભા તથા રાજયસભા એમ બન્ને ગૃહોમાં હૈદરાબાદના બળાત્કાર-હત્યાનો મુદો ઉભો થયો હતો.

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા તથા રાજયસભાના ચેરમેન વેંકયાનાયડુએ દેશમાં બનતા આવા ઘટનાક્રમો પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રકારના કેસ ખાસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાનું ફરજીયાત બનાવવા, આરોપીઓની નસબંધી સહિતના સૂચનો- મત વ્યકત થયા હતા. રાજયસભાના ચેરમેને કહ્યું કે આવા બનાવો રોકવા તથા આરોપીઓને સજા કરવા માટે નવા કાયદા નહીં પણ રાજકીય ઈચ્છાશક્તિની જરૂર છે. સામાજીક રોગ ખત્મ કરવા માત્ર લોકમાનસ બદલવાની જરૂર છે. આરોપી સગીર હોય તો બચી જાય તે વાત પણ યોગ્ય નથી.

આ એક સામાજીક વિકૃતિ છે. સમાજવાદી પાર્ટીના રાજયસભાનાં સાંસદ જયા બચ્ચને તો એવો તીખો સૂર દર્શાવ્યો હતો કે સરકારે હવે યોગ્ય અને નિશ્ર્ચિત જવાબ આપવાનો સમય આવી ગયો છે. બળાત્કાર જેવા ગુનાના આરોપીઓને લોકોના ટોળાને હવાલે કરીને મારી-મારીને પુરા કરવા જોઈએ. નિર્ભયા અને કઠુઆ કાંડમાં શું થયું તે સરકાર જાહેર કરશે. અન્નાદ્રમુકના સભ્ય વિજિલા સત્યનાથને કહ્યું કે દેશ મહિલા અને બાળકો માટે સુરક્ષિત નથી. હૈદરાબાદની ઘટનાના આરોપીઓને 31મી ડિસેમ્બર સુધીમાં ફાંસીના માંચડે લટકાવી દેવા જોઈએ.

ન્યાયમાં વિલંબ પણ અન્યાય જ છે. કોંગ્રેસ સાંસદ અમી યાજ્ઞીકે કહ્યું કે રેપ જેવી ઘટનાઓમાં તમામ એક જૂથ થાય અને તેના થકી જ સામાજીક સુધાર શકય બનશે. આ પ્રક્રિયા તાબડતોડ થવી જોઈએ. કોઈપણ સરકાર કે રાજય આવી ઘટના બને તેવુ ઈચ્છતી નથી. માત્ર કાયદાથી તેનો ઉકેલ આવવાનો નથી. અપરાધો રોકવા એક જૂથ થવુ પડશે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે કહ્યું કે નિર્ભયા કાંડના આરોપીઓને સજા થઈ ગઈ હોવા છતાં ફાંસી અપાઈ નથી. સરકાર સખ્ત પગલા લ્યે તે જરૂરી છે. ફાંસીએ લટકાવવા માટે સમયમર્યાદા નકકી થવી જોઈએ.