Getty Images)

ભારતીય ક્રિકેટમાં એક નવા યુગના પ્રહરી ગણી શકાય તેવા સમર્થ વિકેટકીપર, બેટ્સમેન અને સૌથી વિશેષ તો કેપ્ટન કૂલનું ઉપનામ પામેલા ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતના સ્વાતંત્ર્ય દિને જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી તેના વિશાળ ચાહક વર્ગ તથા ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. તેની સાથે સાથે જ તેના ખાસ વિશ્વાસુ સાથી જેવા ગણાતા બેટ્સમેન ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.

39 વર્ષની વયે નિવૃત્તિ જાહેર કરવા સાથે ધોનીએ ક્રિકેટ બોર્ડને પણ ચોંકાવી દીધું હતું, ત્યાં સુધી કે બોર્ડને પણ ઈન્સ્ટાગ્રામ ઉપરની તેની નિવૃત્તિની જાહેરાત થયા પછી જ તે વિષે ખબર પડી હતી. ધોનીએ સુકાની તરીકેની યશસ્વી કારકિર્દીમાં જે સફળતાના રેકોર્ડ કર્યા છે, તે લાંબા સમય સુધી કોઈપણ ખેલાડી માટે તોડવા મુશ્કેલ છે.
છેલ્લા કેટલાક વર્ષોથી તે ફક્ત વન-ડે ઈન્ટરનેશનલ્સ અને ટી-20 જ રમી રહ્યો હતો, ટેસ્ટ ક્રિકેટમાંથી તો તેણે ક્યારની નિવૃત્તિ લઈ લીધી હતી. જો કે, તે હજી આઈપીએલમાં રમતો રહેવાનો છે. ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ તરીકે લાંબો સમય રહેલા એન. શ્રીનિવાસનનો ધોની ખાસ વિશ્વાસુ હતો.

બેટ્સમેન તરીકે ધોની એક આગવો શોટ રમતો, જે પછીથી ખાસ ધોનીના હેલિકોપ્ટર શોટ તરીકે ઓળખાતો થયો હતો. અનેક વર્ષો તેણે પોતાની બેટિંગની કમાલથી ગેમ ચેન્જર તરીકે નામના મેળવી હતી, અનેકવાર તે ભારત માટે હારની બાજી વિજયમાં પલ્ટી નાખવામાં સફળ થયો હતો. ક્રિકેટની રમતની બારીકીઓમાં તે એટલો પાવરધો બની ગયો છે કે, સુકાની નહીં હોવા છતાં તે મેદાનમાં હોય ત્યારે તેનું મહત્ત્વ સુકાની જેટલું જ રહે છે. વિકેટની પાછળ રહીને તે ડીઆરએસ વિષેના નિર્ણયોમાં પણ લગભગ નિષ્ણાત જેવો બની ગયો હતો.

ભારતના નિવૃત્ત બેટ્સમેન, આક્રમક ઓપનર વિરેન્દર સેહવાગે તો ધોની વિષે એવું કહ્યું છે કે, ધોની જેવો બહુમુખી પ્રતિભા ધરાવતો ક્રિકેટર ભારત પાસે ક્યારેય હતો નહીં, હાલમાં છે નહીં અને ભવિષ્યમાં બીજો ધોની પેદા થાય તેમ પણ લાગતું નથી.2014માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ટેસ્ટ પૂરી થયા પછી શ્રેણીની અધ્ધ વચ્ચે જ તેણે કેપ્ટન તરીકે નિવૃતિ જાહેર કરી ક્રિકેટ વિશ્વને ચોંકાવી દીધું હતું. વન-ડે અને ટી-20માં તેણે ભારત તરફથી રમવાનું ચાલુ રાખ્યું હતું. ધોનીએ ટેસ્ટ ક્રિકેટ છોડયાના પાંચ વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે.

તેણે ઈન્સ્ટાગ્રામ પરથી આ જાહેરાત કરી અને અગાઉ ક્રિકેટ જગતમાં કોઇ ખેલાડીએ ન કરી હોય તે રીતે, સમય સાથે – સાંજના 7.29 પછી તે આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.ધોનીએ સુકાની તરીકે ભારતને 2007માં ટી-20 વર્લ્ડકપ, 2011માં વન-ડે વર્લ્ડકપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઈટલ અપાવ્યું હતું. આઇસીસીના ત્રણ ટાઇટલ જીતનારો તે ક્રિકેટ વિશ્વનો એકમાત્ર કેપ્ટન છે. 2009માં તેના સુકાનીપદે જ ભારત આઇસીસી રેન્કિંગમાં સૌપ્રથમવાર નંબર વન બન્યું હતું.વન-ડેમાં 6000થી વધુ રન અને 200થી વધુ વિકેટ સ્ટમ્પ પાછળ રહીને લેવાનો રેકોર્ડ ધરાવનાર તે ક્રિકેટ ઈતિહાસનો એકમાત્ર વિકેટ કિપર કેપ્ટન છે.

7 જૂલાઇ, 1981ના રોજ રાંચીમાં જન્મેલા ધોનીએ 2 ડિસેમ્બર 2005ના દિવસે શ્રીલંકા સામે તેની કારકિર્દીનો આરંભ કર્યો હતો. જો કે ટેસ્ટ ક્રિકેટના એક વર્ષ પહેલા તેની વન-ડે કારકિર્દી બાંગ્લાદેશ સામે 2004માં શરૂ થઇ ચૂકી હતી. તે છેક ગયા વર્ષે 2019નો ઈંગ્લેન્ડમાં રમાયેલ વર્લ્ડ કપમાં સેમિફાઇનલ (9 જુલાઇ) ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો. તે પછી તેણે સામે ચાલીને બ્રેક લીધો હતો.

ધોની કેપ્ટન તરીકે બેજોડ રહ્યો હતો. સપ્ટેમ્બર, 2007માં સાઉથ આફ્રિકામાં ટી-20 વર્લ્ડ કપથી તેણે ભારતીય ટીમની કેપ્ટન્સી સંભાળી હતી. તે સ્પર્ધામાં પાકિસ્તાનને હરાવી ભારત ચેમ્પિયન બન્યું હતું. 2007માં જ તે વન-ડે અને 2008માં ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યો. ત્રણેય ફોર્મેટની કુલ મેચોની કેપ્ટન્સીનો રેકોર્ડ ધોનીના નામે છે. તેણે 200 વન-ડે, 60 ટેસ્ટ અને 72 ટી-20, કુલ 332 આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટન્સી કરી છે. એ સાથે, તેણે ઓસ્ટ્રેલિયાના રીકી પોન્ટિંગ (324)નો રેકોર્ડ તોડયો હતો. ત્રણેય ફોર્મેટમાં દરેકમાં 50થી વધુ મેચમાં કેપ્ટન્સી કરનારો તે દુનિયાભરનો એકમાત્ર કેપ્ટન છે.

તેણે 90 ટેસ્ટમાં છ સદી સાથે 38.59ની સરેરાશથી 4876 રન, 350 વન-ડેમાં 10273 રન 50.58ની સરેરાશથી 10 સદી સાથે અને 126.13ના સ્ટ્રાઇક રેટ સાથે કર્યા હતા.ધોનીની વન-ડે કેપ્ટન્સીમાં 110 વિજય અને 74 પરાજય થયા છે. 60 ટેસ્ટમાંથી 27માં ભારતે વિજય પ્રાપ્ત કર્યો છે. 2007માં તેને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ અને 2018માં પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયો હતો.ધોનીએ વિકેટ કિપિંગમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં તે કેચ-સ્ટમ્પિંગમાં 256/38, વન-ડેમાં 321/123 અને ટી-20માં 57/34નો રેકોર્ડ ધરાવે છે. ધોની ક્રિકેટ ચાહકોમાં સચિન પછીને સૌથી માનીતો અને પ્રેરણાદાયી ક્રિકેટર રહ્યો છે.

ધોનીને લોકોને આશ્ચર્યચકિત કરવાની આદત છે. કારકિર્દી દરમિયાન તેણે પોતાના પરાક્રમથી લોકોને અનેક વખત આશ્ચર્યમાં મુક્યા હતા. તેણે પોતાની કારકિર્દીના અંતની જાહેરાતથી પણ આ રીતે તેણે લોકોને ચોંકાવી દીધા હતા.
ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તે વીડિયોમાં તેમની કારકિર્દીની ખાસ પળો રજૂ કરાઈ હતી, તેમાં બેકગ્રાઉન્ડમાં કભી-કભીનું સાહિર લુધિયાણવીનું લખેલુ અને મુકેશે ગાયેલું સોન્ગ ‘મેં પલ દો પલ કા શાયર હું…’ વાગી રહ્યું હતું.

આ પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, આ સફર માટે તમે મને આપેલા પ્રેમ અને સમર્થન માટે તમારો ખૂબ ખૂબ આભાર. આજે 19.29 (સાંજે 7.29 મિનિટ)થી મને રીટાયર થયેલો સમજવો. વીડિયો પોસ્ટ કરતા તેમણે 1929 hrs લખ્યું હતું આવી રીતે સમય લખવાની સ્ટાઈલ એ સેનાની છે. જે સેના પ્રત્યેનો તેમનો પ્રેમ પણ દર્શાવે છે.

નોંધનીય છે કે, બરાબર એક વર્ષ અગાઉ 2019ની નવમી જુલાઈએ ધોની આ જ સમયે પોતેની કારકિર્દીની અંતિમ ઇનિંગ્સ રમ્યો હતો. એ દિવસે વન-ડે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે તે રમ્યો ત્યારે 50 રન કરીને રનઆઉટ થયો હતો. ધોની તેની ભાવિ યોજના વિશે અકળ રહ્યો હતો અને ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે તેણે આ બાબતે કોઈ સંવાદ નહોતો સાધ્યો.