રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સ્વીકાર્યું કે ભારતી અર્થવ્યવસ્થામાં મંદીનો સમય ચાલી રહ્યો છે. જોકે, તેમણે આ મંદીને અસ્થાયી ગણાવતા કહ્યું કે, દેશની કેન્દ્ર સરકારે મંદી પર કાબુ મેળવવા માટે તાજેતરમાં જે પગલાઓ ઉઠાવ્યા છે તેનાથી આગામી ત્રણ મહિનાના સમયમાં અર્થવ્યવસ્તાને વેગ મળશે. સાઉદી અરબના શહેર રિયાદમાં યોજાયેલા વાર્ષિક રોકાણ મંચ ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિએટિવનું સંબોધન કરતા મુકેશ અંબાણીએ આ અંગે નિવેદન આપ્યું હતું.

29થી 31 ઓક્ટોબર સુધી યોજાયેલા આ કાર્યક્રમના મુખ્ય વક્તા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા. આ કાર્યક્રમમાં મુકેશ અંબાણી સહિત ઘણા બધા દિગ્ગજ ભારતીય ધંધાદારીઓએ પણ આમાં હાજરી આપી હતી. મુકેશ અંબાણીએ મંગળવારના રોજ આ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે હા, ભારતીય અર્થવ્યવસ્થામાં થોડી મંદી જરૂર છે પરંતુ મારા માનવા પ્રમાણે આ મંદી અસ્થાયી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં મંદીના સુધારા માટે જે પ્રકારના ઉપાયો કરવામાં આવ્યા છે જેનું પરિણામ જરૂરથી જોવા મળશે, આગામી ત્રણ મહિનામાં પરિસ્થિતિ જરૂરથી બદલાશે.

અંબાણીએ વડાપ્રધાન મોદી, સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલ અજીજ અલ સઉદ અને તેમના દીકરા પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અબ્દુલ અજીજનો હવાલો આપતા કહ્યું, આ બધાની ઉપર એવું નેતૃત્વ છે જે ગતિ આપનારું છે. બંને દેશોમાં એવું નેતૃત્વ છે, જે સમગ્ર દુનિયા કરતા કંઈક વિશેષ છે. તેમણે કહ્યું કે સાઉદી અરબે છેલ્લા 2-3 વર્ષમાં જબરજસ્ત ફેરફાર જોયો છે.