ગુજરાતની જીવાદોરી સમો નર્મદા નદી પર પ્રસ્થાપિત સરદાર સરોવર પોતાની ઐતિહાસીક સપાટી પર પહોંચી ગયો છે. સરદાર સરોવર, નર્મદા ડેમની હાલની સપાટી 136.51 મીટર નોંધવામાં આવી રહી છે.

નર્મદા બેઝીનમાં આવેલ ઓમકારેશ્વર ડેમમાંથી છોડાયેલ પાણી અને કેચમેન્ટ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની અવિરત આવક ચાલું હોવાથી નર્મદા નિગમની વડોદરા ખાતે આવેલ ડેમ અને પાવર હાઉસ સર્કલ ઓફિસ દ્રારા ચેતવણી અપાઈ છે. આજે બપોરે 2 કલાકે ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવાની ચેતવણી આપવામાં આવી હતી.

નર્મદા નદીનાં ભરૂચ અને વડોદરા જીલ્લાનાં કાંઠા વિસ્તારમાં એલર્ટ અપાયું છે. આપને જણાવી દઇએ કે, ગરુડેશ્વર ખાતે નર્મદા નદીની સપાટી બપોરે 3 કલાકે 30.5 મીટર સુધી પહોંચી શકે તેવી શક્યતા જોવામાં આવી રહી હતી. તો હાલ નર્મદા ગરુડેશ્વર ખાતે અને ભરૂચ ખાતે 30 મીટરની આસપાસની ભય જનક સપાટીએ વહી રહી છે.