એમેરિકન સ્પેસ એજન્સી નાસા ચંદ્રની સપાટી પર હાર્ડ લેન્ડિંગ કરનારા ભારતના ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને શોધવામાં સફળ રહી છે. નાસાએ સોમવારના રોજ પોતાના લૂનર રિકૉનેસાં ઓર્બિટર દ્વારા ખેંચેલી એક તસવીર ટ્વીટર પર શેર કરી હતી. આ તસવીરમાં લેન્ડર ચંદ્રની સપાટી પર લેન્ડિંગ વખતે અથડાયું હતું તે દુર્ઘટના સ્થળ (ક્રેશ પોઈન્ટ)થી જ્યાં સુધી તેનો કાટમાળ ફેલાયો હતો તે સમગ્ર વિસ્તાર જોવા મળી રહ્યો છે.
નાસાના જણાવ્યા અનુસાર, ભારતીય એન્જિનિયર શનમુગા સુબ્રમણ્યને ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનો કાટમાળ હોવાના પુરાવાઓ અમને આપ્યા હતા. ત્યારબાદ નાસાએ તે દિશામાં શોધખોળ ચાલું કરી હતી. ચેન્નાઈના રહેવાસી સુબ્રમણ્મ કમ્પ્યૂટર પ્રોગ્રામર અને મિકેનિકલ એન્જિનિયર છે.ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનું 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરાવવાનું હતું. પરંતુ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર વિક્રમ લેન્ડર ઉતરે તે અગાઉ જ ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટર દૂર જ ઈસરોનો લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
વિક્રમ લેન્ડર 2 સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન-2ના ઓર્બિટરથી અલગ પડ્યું હતું. તસવીરમાં જે લીલા કલરના ટપકા જોવા મળે છે તે જગ્યા વિક્રમ લેન્ડરનો કાટમાળ પડેલો હોવાનું દર્શાવે છે. વાદળી કલરના ટપકા ચંદ્રની સપાટીમાં હાર્ડ લેન્ડિંગ પછી આવેલો ફેરફાર દર્શાવે છે. ‘S’ અક્ષર દ્વારા લેન્ડર દ્વારા કાટમાળ દર્શાવવામાં આવ્યો છે જેની ઓળખ વિજ્ઞાની શનમુગા સુબ્રમણ્યને કરી છે.