વેસ્ટ ઇન્ડીઝના વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરને અફઘાનિસ્તાન સામેની ત્રીજી વન ડે ઇન્ટરનેશનલ મેચમાં પોતે બોલ સાથે ચેડા કર્યા હોવાનું સ્વીકાર્યું હતું, જેના પગલે તેની સામે ચાર મેચના સસ્પેન્શનની સજા ફરમાવવામાં આવી હતી. હવે પૂરન વેસ્ટ ઇન્ડીઝ તરફથી ચાર ટી-20 મેચ નહીં રમી શકે. ઉપરાંત તેના નામે પાંચ ડીમેરિટ પોઇન્ટ પણ લાગ્યા છે.ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે(ICC) નિવેદનમાં કહ્યું કે,‘ખેલાડી અને ખેલાડીઓના સહયોગી સ્ટાફ માટેની આઈસીસી આચાર સંહિતાના ભંગ બદલ નિકોલસ પૂરનને ચાર ડીમેરિટ પોઇન્ટ પણ અપાયા હતા.

ભારતમાં લખનૌમાં રમાયેલી આ સીરીઝની ત્રીજી વન-ડેમાં 11 નવેમ્બરે ત્રીજી વન-ડેમાં આ કિસ્સો બન્યો હતો.સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં નિકોલસ પૂરન બોલને પગ પર ઘસતા અને નખ વડે ખોતરતો નજરે પડ્યો હતો. આઈસીસીએ તપાસ કર્યા પછી પૂરને મંગળવારે તેનો ગુનો સ્વીકાર્યો હતો.પૂરને કહ્યું હતું કે,‘હું સ્વીકારું છું કે મારાથી ભૂલ થઈ છે અને હું આઈસીસીની સજા પણ સ્વીકારૂં છું. આ માત્ર એક ઘટના છે અને હું સૌને ખાતરી આપું છું કે આવું ફરી નહીં બને. મેદાન પર જે થયું તેના માટે હું મારી ટીમના ખેલાડીઓ, સમર્થકો અને અફઘાનિસ્તાનની ટીમની માફી માંગું છું.’