ઈન્ટરપોલે પંજાબ નેશનલ બેન્કના લોન કૌભાંડના મુખ્ય આરોપી નિરવ મોદીના ભાઈ નેહલ દીપક મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ (આરસીએન) જાહેર કરી છે. રૂ. 14,000 કરોડના પીએનબી કૌભાંડમાં કથિત મની લોન્ડરિંગ બદલ નિરવ મોદીના ભાઈ નેહલ સામે નોટિસ ઈશ્યૂ કરવામાં આવી છે. નેહલ દીપક મોદી (ઉ.40)નો જન્મ એન્ટવર્પ, બેલ્જિયમમાં થયો છે અને તે ત્યાંનો નાગરિક છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં નિરવ મોદીની સંખ્યાબંધ મિલકતો ટાંચમા લીધી છે.

નેહલ મોદી વિરુદ્ધ પણ મની લોન્ડરિંગનો કેસ હોવાથી તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. ઈડીએ દાખલ કરેલી ચાર્જશીટમાં નેહલ મોદીના નામનો પણ ઉલ્લેખ છે અને તેની સામે પુરાવાનો નાશ કરવાનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. પીએનબી લોન કૌભાંડ અને મની લોન્ડરિંગના કેસમાં ભાગેડુ હીરાના વેપારી નિરવ મોદી અને તેના તેના મામા મેહુલ ચોક્સી સામે પણ નોટિસ જાહેર કરવામાં આવી હતી. નિરવ મોદી હાલ લંડનની જેલમાં છે અને ભારત પ્રત્યર્પણ માટેના કેસની કાર્યવાહી ચાલી રહી છે.