લંડનની કોર્ટે બુધવારે ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી રદ કરી દીધી હતી. નીરવે કોર્ટમાં જણાવ્યું કે, જો તેને ભારતને સોંપવામાં આવે છે તો તે આત્મહત્યા કરી લેશે. સાથે સાથે તેણે જણાવ્યું કે, જેલમાં તેને ત્રણ વખત માર મારવામાં આવ્યો. જો કે નીરવ મોદીની દલીલોની કોર્ટમાં કોઇ અસર જોવા મળી નહીં અને કોર્ટે તેની જામીન અરજી રદ કરી દીધી હતી.

49 વર્ષીય નીરવ વેસ્ટમિંસ્ટર મજિસ્ટ્રેટ કોર્ટમાં તેના વકીલ હુગો કીથ ક્યૂસી સાથે હાજર રહ્યો હતો. તેણે આ પાંચમી વખત જમીન માટે અરજી કરી હતી. કીથે દાવો કર્યો હતો કે, જેલમાં નીરવને બે વખત માર મારવામાં આવ્યો હતો. પહેલી વખત અપ્રિલ માસમાં અને પછી હાલમાં જ મંગળવારે તેની સાથે મારઝૂડ કરવામાં આવી હતી.

કીથે જણાવ્યું હતું કે, કાલે સવારે નવ વાગ્યે બાદ જેલમાં બંધ બે કેદી તેને તેમના સેલમાં લઇ ગયા હતા. તેમણે દરવાજો બંધ કરી દીધો હતો અને તેની સાથે મારઝૂડ કરી હતી. સાથે તેને લૂંટવાના પણ પ્રયાસ કરાયા હતા. આ હુમલો નીરવ મોદીને નિશાનો બનાવીને જ કરવામાં આવ્યો હતો. કીથે ડોક્ટરની નીરવના ડિપ્રેશનની કોન્ફિડેંશ્યિલ રિપોર્ટ લીક હિસ્સાનો ઉલ્લેખ કરતા આ વાત જણાવી હતી.

કીથે વધુમાં જણાવ્યું હતું કે, જો નીરવ મોદીને પ્રેસમાં ‘કરોડપતિ હીરાનો વેપારી’ કહેવામાં આવશે તો આવા પ્રકારના હુમલા આગળ પણ થતા રહેશે. ત્યાંજ નીરવે જણાવ્યું હતું કે, જો તેને ભારત મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો તો તે પોતાનું જીવન ટૂંકાવી દેશે.