ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો ભંગ કરવા બદલ નવા કાયદા મુજબ દંડની રકમ અમલમાં ન મૂકતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું છે કે જો કોઇ રાજ્યો ટ્રાફિકના નવા કાયદાનો અમલ નહીં કરે તો તે માટે તે રાજ્ય જવાબદાર રહેશે. માર્ગ વાહનવ્યવહાર પ્રધાન ગડકરીએ જણાવ્યું હતું કે જે રાજ્યો દંડની રકમનો અમલ કરવાનો ઇનકાર કરી રહ્યાં છે તેમના માટે નાણા કરતા જીવન વધારે મહત્ત્વનું નથી? લોકોના જીવન બચાવવા માટે દંડની રકમ વધારવામાં આવી છે. ગડકરીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લોકોમાં કાયદા અંગનો ડર હોવો જોઇએ. નિર્ભયા કેસ પછી બળાત્કાર ગુજારનારા માટે મૃત્યુ દંડની સજા શા માટે કરવામાં આવી? તો તેનો જવાબ એ છે કે લોકોમાં કાયદાનો ડર પેદા થાય.

ભાજપ શાસિત ગુજરાત સરકારે કેન્દ્રના નવા ટ્રાફિક કાયદામાં જે દંડની રકમ હતી તેના કરતા દંડમાં ૯૦ ટકાનો ઘટાડો કર્યો હતો. ગડકરીએ જણાવ્યું હતું કે લોકોના જીવ બચાવવા માટે દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. મારો ઉદ્દેશ લોકોના જીવ બચાવવાનો છે અને આ માટે મને રાજ્ય સરકારોના સહકારની જરૂર પડશે. જ્યારે ગડકરીને પૂછવામાં આવ્યું કે શું કેન્દ્ર સરકાર ટ્રાફિકના નવા કાયદાનો અમલ કરવા અંગે રાજ્યોને ફરજ પાડશે? તો તેના જવાબમાં ગડકરીએ જણાવ્યું હતું કે જે રાજ્યોને અમલ કરવો હોય તે કરે અને જેને ન કરવો હોય તે ન કરે.

જ્યારે તેમને ગુજરાત સરકાદર દ્વારા દંડની રકમમાં કરાયેલા ઘટાડા અંગે પૂછવામાં આવ્યું તો ગડકરીએ જણાવ્યું હતું કે જો ગુજરાતના મુખ્યપ્રધાનને દંડની રકમ વધારે લાગે છે તો પછી તેમની મરજી. ગડકરીએ જણાવ્યું હતું કે તેમણે બ્રિટન, કેનેડા, કેલિફોર્નિયા અને આર્જેન્ટીનના કાયદાનો અભ્યાસ કરીને મોટર વ્હીકલ એક્ટ કર્યો છે. જો કે તેમણે છેલ્લે જણાવ્યું હતું કે તે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનોને સમજાવવાના પ્રયત્નો કરશે.

આ દરમિયાન વિધાનસભા ચૂંટણી અગાઉ મહારાષ્ટ્ર સરકારે પણ નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ કરવાનો ઇનકાર કરી દીધો છે. મહારાષ્ટ્ર સરકારે ગડકરીને પત્ર લથી આ એક્ટ અંગે ફરીથી સમીક્ષા કરવાની માગ કરી છે. બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ જણાવ્યું છે કે દંડની નવી રકમ ભરવી સામાન્ય માનવી માટે અશક્ય હોવાથી પશ્ચિમ બંગાળમાં આ એક્ટનો અમલ કરાશે નહીં. રાજ્યો દ્વારા એક્ટનો અમલ ન કરાતા ગડકરીએ જણાવ્યું છે કે આ કાયદો સમાવર્તી યાદીમાં આવતો હોવાથી આ એક્ટનો અમલ કરવો કે નહીં તેનો અધિકાર રાજ્યે પાસે છે.