લંપટ અને નફ્ફટ નિત્યાનંદ ક્યાં છે તે હજી કોઈને ખબર નથી. ગુજરાત પોલીસ તેને શોધી રહી છે. તેને શોધવા માટે ઈન્ટરપોલની પણ મદદ લેવાઈ છે. ત્યાં લંપટ નિત્યાનંદને લઈને એવા સમાચાર આવ્યા છે, જેના તમે વિચાર પણ નહિ કરી શકો.

નિત્યાનંદે ઈક્વાડોરમાં ખાનગી ટાપુ ખરીદી લીધો છે. જેને નિત્યાનંદે પોતાનો દેશ ગણાવ્યો છે. તેણે પોતાના આ દેશ માટે રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય પક્ષી અને રાષ્ટ્રીય ફૂલ પણ જાહેર કર્યા છે.અમદાવાદના હાથીજણ સ્થિત DPS સ્કૂલના કેમ્પસમા ચોલતો નિત્યાનંદનો આશ્રમને હંમેશના માટે તાળા મારી દેવામાં આવ્યા છે.

નિત્યાનંદ પર બાળકોને ગોંધી રાખવા તેમજ રેપ જેવા ગંભીર કેસ ચાલી રહ્યાં છે. અમદાવાદ આશ્રમના તેના સાધકોને ભાગીને બેંગલુરુ જવુ પડ્યું છે. ત્યારે પોતાને સ્વ કથિત ભગવાન ગણાવતા ભાગેડુ નિત્યાનંદે પોતાનો અલગ દેશ બનાવી લીધો છે.

નિત્યાનંદે ઈક્વાડોરમાં એક પ્રાઇવેટ આઇલેન્ડ ખરીદ્યા બાદ તેનું નામ ‘કૈલાસા’ રાખ્યુ છે. આટલુ જ નહિ આ દેશને હિન્દૂ રાષ્ટ્ર ગણાવ્યુ છે. નિત્યાનંદે પ્રાઇવેટ આઇલેન્ડ પર વસાવેલા પોતાના અલગ દેશ માટે નેશનલ ફ્લેગ, નેશનલ એનિમલ, નેશનલ બર્ડ, નેશનલ ફ્લાવર અને નેશનલ ટ્રી પણ જાહેર કર્યો છે.

નિત્યાનંદે વેબસાઈટ પર પોતાના દેશનો જુદા બંધારણ અને સરકારી બંધારણની જાણકારી આપી છે.નિત્યાનંદની આ વેબસાઈટ પર જાઓ તો તમને ચોંકાવનારા ખુલાસા જોવા મળશે. તેની વેબસાઈટ પર લખાયું છે કે, કૈલાસા કોઈ સીમાઓ વગરનો એક દેશ છે જેને દુનિયાભરથી હાંકી કઢાયેલા હિન્દુઓએ વસાવ્યો છે.

તેઓએ પોતાના જ દેશોમાં પ્રામાણિક રીતે હિન્દુ ધર્મના અભ્યાસ કરવાનો અધિકાર ગુમાવી દીધો છે. તેણે આ દેશમાં ગુરુકુળ શિક્ષા પદ્ધતિ વિકસાવી હોવાની વાત કરી છે. એક તરફ તે વેબસાઈટ પર ડોનેશન માંગી રહ્યો છે, તો બીજી તરફ તે મફત સ્વાસ્થય, મફત શિક્ષણ, મફત ભોજન આપવાની વાત કરી રહ્યો છે.