અમદાવાદ ખાતે આશ્રમ ધરાવતો જાતે ગુરુ બની બેઠેલો સ્વામી નિત્યાનંદ આશ્રમની અંદરના એક ક્રિમિનલ કેસમાં સંડોવાયો હોઈને મોકો જોઈને દેશ છોડીને નાસી છૂટ્યો હોવાની જાણકારી ગુરુવારે તપાસકર્તા અધિકારીઓએ આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે, સ્વામીની હે અનુયાયીઓની ગિરફતારી કર્યા બાદ ગુજરાત પોલીસ નિત્યાનંદની વિરુદ્ધમાં નક્કર પુરાવો મેળવી રહી છે. એ સાથે એવી બાતમી પણ મળી હતી કે, સેન્ટ્રલ બૉર્ડ ઑફ સેક્ધડરી ઍજ્યુકેશન (સીબીએસઈ)ની પરવાનગી મેળવ્યા વગર તેની સ્કૂલની જમીન સ્વામી નિત્યાનંદના આશ્રમને કેવી રીતે લીઝ ઉપર આપવામાં આવી હતી એ અંગેનો અહેવાલ ગુજરાત ઍજ્યુકેશન ડિપાર્ટમેન્ટ પાસે સીબીએસઈ દ્વારા માગવામાં આવ્યો છે.

યોગીની સર્વગ્યપીઠમ નામના નિત્યાનંદના આશ્રમને ચલાવવા માટે તેના અનુયાયીઓ અને ભક્તો પાસેથી નાણાં એકત્રકરવાના આશયે બાળકોના અપહરણ અને ખોટી રીતે ગોંધી રાખવાના આક્ષેપોના આધારે બની બેઠેલા ગૉડમૅનને નામે બુધવારે એફઆઈઆર નોંધવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. અમદાવાદ (રૂરલ)ના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આર. વી. અસારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, નિત્યાનંદ વિદેશ ખાતે નાસી ગયો છે અને જરૂર પડશે તો ગુજરાત પોલીસ યોગ્ય માર્ગે એની કસ્ટડી મેળવશે.

અગાઉ કર્ણાટકમાં નિત્યાનંદ સામે બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો ત્યારે પણ એ વિદેશ ખાતે નાસી ગયો હતો એટલે એને શોધવામાં સમય વેડફવા જેવું થશે. “જો જરૂર પડશે તો અમે યોગ્ય માર્ગે વિદેશમાંથી એનો કબજો મેળવીશું અને એ જો ભારત ભારત પરત આવ્યો તો અમે ચોક્કસ જ એની ધરપકડ કરીશુંએમ પોલીસ અધિકારી અસારીએ સ્પષ્ટપણે કહ્યું હતું.

ગયા સપ્તાહે નિત્યાનંદની બે અનુયાયી અને આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વની બાળકોના અપહરણ, ગેરકાયદે ગોંધી રાખવા અને મારપીટ કરવા ઉપરાંત અન્ય કેટલાંક આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. એ સાથે ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, આ મામલા સાથે સંડોવાયેલા મોટા ખેરખાંને સુધ્ધાં છોડવામાં આવશે નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતના ડીજીપીએ સંબંધિત એસપીને આ મામલાને ઝીણવટપૂર્વક તપાસવા-ચકાસવા માટે એક ટીમ બનાવવાની સૂચના આપી છે.