ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમ ભંગ બદલ વાહનોને દંડ વસુલવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, પોલીસે હેલમેટ સર્કલ પાસેથી નંબર પ્લેટ વગરની રૂા. ૨.૧૮ કરોડની પોર્શે ૯૧૧ સ્પોર્ટ કારને રોકી હતી અને કારના કાગળો માગતા તે હરિયાણા પાસિંગની કાર હોવાનું બહાર આવ્યું હતું. આ કારના માલિકે રોડ ટેક્સ ભર્યા ન હતો તેમજ તેમની પાસે આરસી બુક સહિતના દસ્તાવેજ ન હોવાથી પોલીસે કારને ડિટેઇન કરી હતી. હવે આરટીઓમાં દંડ સહીત રૂા. ૯.૮૦ લાખ ટેક્સ ભર્યા બાદ કાર છોડાવી શકાશે.
આ કેસની વિગત એવી છે કે ટ્રાફિક એ ડિવિઝન પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.બી. વિરજાએ તા. ૨૭ના રોજ હેલમેટ સર્કલ પાસેથી નંબર પ્લેટ લગાવ્યા વગર પસાર થતી રૂા. ૨.૧૮ કરોડની પોર્શે કારને રોકી હતી અને ડ્રાઇવર પાસેથી કારની આરસી બુક સહિતના દસ્તાવેજોની માંગણી કરી હતી. પોલીસ તપાસમાં કાર હરિયાણામાં પાસિંગ કરવામાં આવી હતી.જેથી પોલીસે કારને ડિટેઇન કરીને મેમો આપ્યો હતો. અને આરટીઓમાં દંડ ભરીને છાડાવવા માટે કહ્યું હતું.
જો કે મળતી માહીતી મુજબ થલતેજ ખાતે રહેતા કારના માલિકે સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં ઓવલી ડી.એ. બ્રાંચમાં જઇને કાર છોડાવવા માટેની રજૂઆત કરી હતી. આરટીઓ અધિકારીએ દંડ સહિત રૂા. ૯.૮૦ લાખ ટેક્સ ભરવાની વાત કરી હતી અને ટેક્સ ભર્યા બાદ કાર છોડાવી શકાશે તેમ કહ્યું હતું. જો કે કારના માલિકે હજુ દંડ ભરવાની કોઇ કાર્યવાહી કરી ન હોવાથી કાર પોલીસ સ્ટેશનમાં જમા હોવાનું ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.