સુપ્રીમ કોર્ટમાં ભૂતપૂર્વ નાણાં અને ગૃહ મંત્રી પી. ચિદમ્બરમને મોટો ઝાટકો લાગ્યો છે. તેમની સીબીઆઇ કસ્ટડીને પડકાર આપતી અરજીને આજે સુનાવણી માટે લિસ્ટ જ કરાઇ નથી. જસ્ટિસ ભાનુમતિએ જણાવ્યું હતું કે, અમે રજિસ્ટ્રીને કહ્યું છે કે આ અરજીને ચીફ જસ્ટિસ સમક્ષ મૂકે.
પી. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં જણાવ્યું કે, બે અરજીઓની સાથે આ અરજી પણ આજે લિસ્ટ થઇ નહી, આ અંગે કોર્ટે કહ્યું કે ચીફ જસ્ટિસે કેસની લિસ્ટિંગનો ઓર્ડર આપ્યો નથી. સિબ્બલે જણાવ્યું કે, આ અરજીને પણ સાથે લિસ્ટમાં કરવામાં આવે, કોર્ટે આ અંગે જણાવ્યું કે સુનાવણીના સમય જોઇશું.
પી. ચિદમ્બરમે દિલ્હી હાઇકોર્ટના એ ચુકાદાને પડકાર આપ્યો છે જેમાં તેમને કોર્ટે રાહત આપવાથી ઇનકાર કર્યો હતો. સીબીઆઇએ હાલમાં જ મની લોન્ડરિંગ મામલે ચિદમ્બરમની ધરપકડ કરી હતી. સીબીઆઇએ ચિદમ્બરમની ધરપકડ કરીને ન્યાયિક કસ્ટડીના માગણી કરી હતી, જેનો સીબીઆઇ કોર્ટે સ્વીકાર કર્યો હતો. .
આઇએનએક્સ મામલે ઇડીએ મની લોન્ડરિંગ અને સીબીઆઇએ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો છે. સુપ્રીમ કોર્ટે 23 ઓગસ્ટે સુનાવણી કરતા ઇડી મામલે 26 ઓગસ્ટ સુધી ચિદમ્બરમની ધરપકડ નહીં કરવા જણાવ્યું હતું. સીબીઆઇ મામલે ચિદમ્બરમને કોઇ રાહત મળી નહતી. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે શુક્રવારે જણાવ્યું હતું કે, ન્યાય મેળવવો એ ચિદમ્બરમનો મૂળભૂત અધિકાર છે. દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને અમે સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. પરંતુ જેવી રીતે કેસને ડીલ કરવામાં આવી રહ્યું છે તે હેરાન કરનારું છે.