પાકિસ્તાનના ઘણા શહેરોમાં મોહરમના લીધે દૂધના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કરાચી અને સિંધ પ્રાંતમાં દૂધ 140 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે. અહીં પેટ્રોલ અને ડીઝલના ભાવ દૂધ કરતા ઓછા છે. પેટ્રોલ 113 અને ડીઝલ 91 રૂપિયા પ્રતિ લીટરે વેચાય છે.
એક દુકાનદારે જણાવ્યું, માગ વધવાના કારણે કરાચી શહેરના ઘણા વિસ્તારોમાં દૂધ 120થી 140 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે. મોહરમનો મહિનો હોવાથી શહેરમાં ઘણી જગ્યાએ સ્ટોલ લગાવીને દૂધ, જ્યૂસ અને ઠંડુ પાણી વેચાઇ રહ્યું છે. અહીં દૂધની માગ વધારે હોવાથી કિંમતમાં વધારો થયો છે.
એક અન્ય દુકાનદારે કહ્યું, અમે દર વર્ષે દૂધનો સ્ટોલ લગાવીએ છીએ. આ વર્ષે ભાવ ખૂબ વધી ગયા છે તેથી અમે લાભ લેવા માગતા હતા. મારા જીવનમાં આવો મોકો ક્યારેય નથી આવ્યો જ્યારે મોહરમના સમયે દૂધના ભાવ આટલા વધી ગયા હોય. રિપોર્ટ્સ પ્રમાણે દૂધના ભાવ પર નિયંત્રણ રાખનાર કરાચીના કમિશ્નર ઇફ્તિખાર સલવાનીએ પણ આ ભાવ કાબૂમાં કરવા કોઇ પ્રયાસ કર્યા નથી. જોકે કમિશ્નરે દૂધનો સત્તાવાર ભાવ 94 રૂપિયા પ્રતિ લીટર નક્કી કર્યો છે.