ભારત દેશમાં અકસ્માતોમાં થતાં મૃત્યુને રોકવા નવો ટ્રાફિક રૂલ્સ અમલી બન્યો છે અને અનેક રાજ્યોમાં તેનો લોકો દ્વારા ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે લોકસભાના શિયાળુ સત્રમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. લોકસભાના શિયાળુ સત્રમાં કરવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં એક ચિંતાજનક ખુલાસો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં (2014થી 2018) ગુજરાતમાં 4285 રાહદારીઓ અકસ્માતમાં મોતને ભેટ્યા છે. જેમાં સૌથી વધુ વર્ષ 2018માં સૌથી વધુ 1170 લોકોનો વાહન અકસ્માતે ભોગ લીધો છે. આમ રોડ પર ઓવરસ્પીડ વાહનો રાહદારીઓ માટે જોખમી છે.વર્ષ 2018માં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 2618, મહારાષ્ટ્રમાં 2515, આધ્રપ્રદેશમાં 1569 રાહદારીઓના મોત થયા છે. જ્યારે વર્ષ 2018માં ગુજરાતમાંથી દરરોજ સરેરાશ 3 રાહદારી વાહન અકસ્માતમાં જીવ ગૂમાવ્યો છે. 2017ની સરખામણીએ 2018માં અકસ્માત મૃત્યુના પ્રમાણમાં 16 ટકાનો વધારો થયો છે. જ્યારે 2014ની સરખામણીએ 2018માં અકસ્માતે મૃત્યુનું પ્રમાણ 40 ટકા વધ્યું છે.