અયોધ્યા રામજન્મભૂમિ વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટમાં પ્રથમ રિવ્યૂ અરજી દાખલ કરવામાં આવી છે. પક્ષકાર એમ સિદ્દીકીએ 217 પેજની રિવ્યૂ અરજી દાખલ કરી છે. એમ સિદ્દીકી તરફથી માંગ કરવામાં આવી છે કે ખંડપીઠના આદેશ પર પ્રતિબંધ લગાવવામાં આવે, જેમાં કોર્ટે વિવાદિત જમીનને રામ મંદિરના પક્ષમાં ગણાવી હતી.
અરજીમાં એ પણ માંગ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને આદેશ આપે કે મંદિર બનાવવાને લઈને ટ્રસ્ટનું નિર્માણ ન કરે. વધુમાં અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટે 1934, 1949 અને 1992માં મુસ્લિમ સમુદાયની સાથે થયેલા અન્યાયીને ગેરકાયદેસર ઠેરવ્યો, આ સિવાય તેની અવણના પણ કરી. આ મામલામાં પૂર્ણ ન્યાય ત્યારે મળશે જ્યારે મસ્જિદનું પુર્ન:નિર્માણ થશે.
એમ સિદ્દીકીએ પોતાની અરજીમાં કહ્યું છે કે વિવાદિત ઢાંચો પહેલેથી જ મસ્જિદ હતો અને તેની પર મુસ્લમાનોનો ઈજારો રહ્યો છે. સુપ્રીમ કોર્ટે માની લીધું કે 1528થી 1856 સુધી ત્યાં નમાઝ ન થતી હોવાના સબુતો સાચા છે, જે કોર્ટે ખોટું કર્યું. આ મામલામાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પણ રિવ્યૂ અરજી દાખલ કરશે. બોર્ડના વકીલ જફરયાબ જિલાનીએ કહ્યું કે અમે આજે સુપ્રીમ કોર્ટ સમક્ષ રિવ્યૂ પિટીશન દાખલ કરનાર નથી. અમે રિવ્યૂ અરજી તૈયાર કરી છે અને અમે તેને 9 ડિસેમ્બર પહેલા કોઈ પણ દિવસે દાખલ કરી શકીએ છીએ.
આ પહેલા સુન્ની વક્ફ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે અયોધ્યા પર તેને સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વીકાર્ય છે અને રિવ્યૂ અરજી દાખલ કરવામાં આવશે નહિ. 26 નવેમ્બરે લખનઉમાં થયેલી બેઠકમાં બહુમતીથી આ નિર્ણય પર મોહર લગાવવામાં આવી છે. જોકે બેઠકમાં પાંચ એકર જમીન પર હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ અંગે નિર્ણય લેવા માટે સભ્યોએ વધુ સમયની માંગણી કરી છે. બીજી તરફ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું છે કે તે સુપ્રીમ કોર્ટેના ચુકદાની વિરુદ્ધ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રિવ્યૂ અરજી કરશે. બાબરી મસ્જિદ એક્શન કમેટીના સંયોજક જફરયાબ જિલાનીએ કહ્યું છે કે અરજી આઠ ડિસેમ્બર પહેલા દાખલ કરવામાં આવનાર છે. જોકે હજી તેની કોઈ તારીખ નક્કી નથી.