વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઝારખંડના ખુંટીમાં જાહેરસભાને સંબોધતા કોંગ્રેસ અને જેએમએમના ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ જનમેદનીને જણાવ્યું કે, કોંગ્રેસ ઉલઝાવવાનું રાજકારણ રમે છે જ્યારે તેમની સરકાર ઉકેલવાનું કામ કરે છે. કોંગ્રેસ અને જેએમએમ છળ કપટનું રાજકારણ કરી રહ્યા હોવાનો આક્ષેપ પીએમ મોદીએ કર્યો હતો. મોદીએ જણાવ્યું કે ભાજપ લોકોની સેવામાં માને છે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન અગાઉ ખુંટીમાં જાહેરસભાને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું કે, રાજ્યના લોકોને વિશ્વાસ છે કે ભાજપ એકલાહાથે જ વિકાસ કરી શકે છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ ઉમેર્યું કે, ‘કોંગ્રેસે વર્ષો સુધી કાશ્મીર અને અયોધ્યા જેવા મુદ્દાઓ લટકાવી રાખ્યા હતા. અમારી સરકારે અયોધ્યાનો શાંતિપૂર્વક ઉકેલ લાવ્યો છે.’

પીએમે કોંગ્રેસને ઝાટકતા કહ્યું કે વર્ષો સુધી દેશના મહત્વના મુદ્દાઓને કોંગ્રેસની સરકારે ઉલઝાવીને રાખ્યા હતા. આદિવાસી બેલ્ટમાં સભા દરમિયાન વડાપ્રધાને જણાવ્યું કે, ‘ભગવાન શ્રીરામે અયોધ્યા છોડ્યું ત્યારે તેઓ રાજકુમાર હતા પરંતુ તેઓ મર્યાદપુરૂષોત્તમ બનીને પરત આવ્યા હતા કારણ કે તેમણે 14 વર્ષ જંગલમાં આદિવાસીઓ સાથે વિતાવ્યા હતા.’ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી રઘુબર દાસની પ્રશંસા કરતા પીએમે જણાવ્યું કે, રઘુબર દાસના નેતૃત્વ હેઠળની સરકારે નક્સવાદીઓને કમરતોડ ફટકો માર્યો છે.